Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

છારાનગર અને કુબેરનગરમાં દારૂના અડ્ડાઓ પર ઓપરેશન

મોટાપાયે દેશી-ઇંગ્લીશ દારૂના જથ્થાનો નાશ : મેગા ઓપરેશનના કારણે વિસ્તારમાં નાસભાગ : પોલીસ દ્વારા દસથી વધુ કેસ નોંધી સ્થાનિક બુટલેગરો સામે પગલા

અમદાવાદ, તા.૧૩ : શહેરના કુબેરનગર-છારાનગર વિસ્તારમાં આજે ફરી એકવાર ડીસીપી ઝોન-૪ની ટીમ ૧૭૫થી વધુ પોલીસ કર્મચારીઓ અને સુરક્ષા જવાનોના કાફલા સાથે ત્રાટકી હતી અને મોટાપાયે દારૂના અડ્ડાઓ પર મેગા ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસે વિવિધ ડ્રમ અને અન્ય પીપડા-કેરબામાં ભરેલા દેશી દારૂ અને ઇંગ્લીશ દારૂના જથ્થાનો મોટાપાયે નાશ કર્યો હતો. પોલીસે આ મેગા ઓપરેશન દરમ્યાન ૧૦થી વધુ કેસ નોંધી સ્થાનિક બુટલેગરો સામે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મેગા ઓપરેશને પગલે સમગ્ર વિસ્તારમાં નાસભાગ મચી ગઇ હતી. ડીસીપી ઝોન-૪ની ટીમ દ્વારા હાથ ધરાયેલા આ મેગા ઓપરેશનને પગલે શહેરના કુબેરનગર, છારાનગર સહિતના વિસ્તારોમાં સ્થાનિક બુટલેગરો અને દારૂની હેરાફેરી કરતા તત્વોમાં ભારે ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી. ગુજરાતમાં દારૂબંધીના નામે સૌથી વધુ દારૂ વેચાયાની વારંવાર લોકમુખે ચર્ચા થતી હોય છે. ત્યારે નવરાત્રીના પર્વને ધ્યાનમાં રાખીને બાતમીના આધારે ડીસીપી ઝોને મોટું સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. શહેરના કુબેરનગર-છારાનગર વિસ્તારમાં આજે  એક ડીસીપી, બે એસીપી, ત્રણ પીઆઇ અને સાત પીએસઆઇ સહિત ૧૭૫થી વધુ પોલીસકર્મી દ્વારા એક મેગા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. પોલીસને છારાનગરમાં દારૂ વેચાતો હોવાની બાતમી મળતા આખી પોલીસ ટીમ ત્રાટકી હતી. તહેવારોમાં દારૂની રેલમછેલ થતાં બુટલેગરો સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. નવરાત્રિના તહેવારમાં છારાનગર, કુબેરનગર, નરોડામાં ઘરે-ઘરે જઇ પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ડીસીપી ઝોન-૪ દ્વારા દારૂને લઇ રેડ કરાઇ હતી, ડીસીપી ઝોનની સાથે રેડ કરાઇ હતી, જે અંગે એક ઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, આજે સવારથી નિશ્ચિત સમય પ્રમાણે મેગા ડ્રાઇવનું આયોજન કરાયું હતું. પોલીસ અધિકારીઓની જુદી-જુદી સાત ટીમ પાડવામાં આવી હતી. જે બુટલેગરો પ્રોહિબેશન લિસ્ટમાં હોય છે તેમની નિયમિત યાદી આવતી હોય છે તેના પર સતત વોચ રાખી મેગા ડ્રાઇવનું આયોજન કરાયું હતું. અમદાવાદનો સરદારનગર એવો વિસ્તાર છે કે જ્યાં સૌથી વધુ દેશી દારૂ બને છે અને વિદેશી દારૂનું પણ વેચાણ થાય છે. અહીં વારંવાર સર્ચ ઓપરેશન દરમ્યાન દારૂનો જથ્થો મળતો આવે છે. થોડાંક દિવસ પહેલાં ટ્રાફિક ડ્રાઇવ કરવામાં આવી હતી ત્યારે આ વિસ્તારમાંથી દેશી દારૂ બનાવવાનો માલ સામાન મળી આવ્યો હતો.

(8:13 pm IST)