Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

મધરાત્રે આણંદમાં બે દુકાનના તાળા તૂટતાં ચકચાર

આણંદ:શહેરના જુના રસ્તા ઉપર આવેલી બીએસએનએલ કચેરી પાસેના કોમ્પલેક્ષમાં આવેલી બે દુકાનોના રાત્રીના સુમારે ત્રાટકેલા તસ્કરો દ્વારા તાળા તોડીને અંદરથી ૧૮ હજારની રોકડ રકમની ચોરી કરીને ફરાર થઈ જતાં આ અંગે આણંદ શહેર પોલીસે તપાસ હાથ ઘરી છે.
ચોરીની મળતી વિગતો અનુસાર બીએસએનએલ કચેરી પાસેના કોમ્પલેક્ષમાં ગઈકાલે મધ્યરાત્રીના સુમારે કેટલાક તસ્કરો ત્રાટક્યા હતા અને સ્મીત લેબોરેટરી તેમજ વેલસ્ટીચ ટેલર્સ નામની દુકાનોના તાળા તોડીને અંદર ઘુસ્યા હતા. સ્મીત લેબોરેટરીમાંથી કશુંય મળ્યુ નહોતુ પરંતુ વેલસ્ટીચ ટેલર્સની દુકાનમાંથી ૧૮ હજારની રકમ મળી આવતાં તે ચોરીને ફરાર થઈ ગયા હતા. સવારે જ્યારે દુકાનના માલિકો દુકાને આવ્યા ત્યારે ચોરીની જાણ થઈ હતી જેથી તુરંત જ શહેર પોલીસને જાણ કરતાં પોલીસ પણ આવી ચઢી હતી અને કઈ પધ્ધતિથી ચોરી કરવામાં આવી છે તેની જાણકારી મેળવી હતી. જો કે આ અંગે હજી સુધી કોઈ પોલીસ ફરિયાદ દાખલ થવા પામી નથી. 

(5:53 pm IST)