Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

આણંદ પોલીસે સ્ટીલના છરાથી કાર પર હુમલો કરનાર આંધપ્રદેશના બે શખ્સોને ઝડપ્યા

આણંદ: શહેર પોલીસે ગઈકાલે ગુરૂદ્વારા સર્કલ પાસેથી આણંદ અને વિદ્યાનગરની બેંકો ઉપર નજરો રાખીને ચોરી-લૂંટ કરતા મુળ આન્દ્રપ્રદેશના પરંતુ હાલમાં વડોદરા ખાતે રહેતા બે શખ્સોને ઝડપી પાડીને વધુ તપાસ અર્થે કોર્ટમાં રજુ કરીને રીમાન્ડની માંગણી કરતા કોર્ટે ચાર દિવસના રીમાન્ડ મંજુર કર્યા છે. રીમાન્ડ દરમ્યાન બીજા શહેરોની ચોરી-લૂંટો પરથી પર્દાફાશ થાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર શહેર પોલીસની સર્વેલન્સ ટીમ ગઈકાલે શહેરમાં પેટ્રોલીંગ કરી રહી હતી ત્યારે ગુરૂદ્વારા સર્કલ પાસે પલ્સર અને એફઝેડ બાઈક પર બે શકમંદ શખ્સો આવી ચઢતાં પોલીસે તેઓને અટકાવીને નામઠામ પુછતાં તેઓ મુળ આન્દ્રપ્રદેશના પરંતુ હાલમાં વડોદરાના આજોડ ખાતે રહેતા પ્રસાદ વેંકટેસલુ પોલીસીટ્ટી તથા ઈસરાઈલ ગંગાઈહી પીટલા હોવાનું ખુલવા પામ્યું હતુ. તેમની અંગજડતી કરતા બે મોબાઈલ ફોન, એક ગીલોલ તથા ત્રણ સ્ટીલના છરા મળી આવ્યા હતા. જે અંગે પુછપરછ કરતાં તેઓ કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા જેથી પોલીસ મથકે લાવીને આકરી પુછપરછ કરતાં તેઓ બન્ને રીઢા ચોર હોવાનું ખુલવા પામ્યું હતુ.
પોલીસની પૂછપરછમાં ત્રણેક દિવસ પહેલાં જ આણંદના ગ્રીડ પાસે આવેલી એચડીએફસી બેંકમાંથી ૧.૫૦ લાખ ઉપાડીને જતા ભાસ્કરભાઈ પટેલનો પીછો કર્યો હતો અને સંકેત પાછળ આવેલા એસ. એસ. હાઈટ્સના પાર્કિંગમાં ભાસ્કરભાઈએ કાર પાર્ક હતી ત્યાં પહોંચી ગયા હતા. ત્યારબાદ ગીલોલથી કારનો કાચ તોડીને અંદર ડ્રો બોક્સમાં ંમુકેલું ૧.૫૦ લાખની રોકડ ભરેલું પાકીટ ચોરીને ફરાર થઈ ગયા હતા. આ ઉપરાંત ચારેક દિવસ પહેલાં નડીઆદની એક્સીસ બેંકમાંથી ૩.૯૦ લાખની મત્તાના સોનાના દાગીના લોકરમાંથી કાઢીને એક્ટીવા ઉપર ઘર તરફ જતી બે મહિલાનો પીછો કર્યો હતો. ઘર આવતા જ મહિલાએ એક્ટીવા ઊભુ રાખ્યું હતુ અને ડીકીમાંથી દાગીના મુકેલું પર્સ કાઢીને ઘર તરફ જતા હતા ત્યારે બન્ને શખ્સો ૧૪.૫૦ તોલા સોનાના દાગીનાની લૂંટ કરીને ફરાર થઈ ગયા હોવાની કબૂલાત કરી હતી. પોલીસે તેમની પાસેથી રોકડા ૪૦ હજાર જપ્ત કરીને વધુ તપાસ અર્થે આણંદની કોર્ટમાં રજૂ કરીને રીમાન્ડની માંગણી કરતાં કોર્ટે ચાર દિવસના રીમાન્ડ મંજૂર કર્યા હતા.

(5:52 pm IST)