Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

દિપોત્સવી તહેવારો દરમિયાન રાજ્યભરમાં દારૂના સીધા દરોડા પડે તો નવાઈ ન પામતા

બે ડઝન સ્ટાફ સાથે સ્ટેટ મોનીટરીંગ સેલને કાર્યરત કરતા ડીજીપી શિવાનંદ ઝાઃ રાજકોટ ક્રાઈમ બ્રાંચના પૂર્વ પીએસઆઈ કિરીટ લાઠીયા સહિત અડધો ડઝનની પસંદગીઃ જો કે હજુ પીઆઈની જગ્યા વણપુરાયેલી

રાજકોટ, તા. ૧૩ :. ગુજરાતના પોલીસ તંત્રમાં ખુબ જ મહત્વની મનાતી સ્ટેટ વીજીલન્સ (સ્ટેટ મોનીટરીંગ સેલ)માં વડોદરાના કાર્યદક્ષ પોલીસ સબ ઇન્સપેકટર અને ભૂતકાળમાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ફરજ દરમિયાન માથાભારે ગુનેગારોને સીધા દોર કરી દેનાર પીએસઆઇ કિરીટ લાઠીયા સહિત અડધો ડઝન પી.એસ.આઇ. ની નિમણુંક કરવાની સાથે જ રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ બુટલેગરો અને બીજી અસામાજિક પ્રવૃતિઓ પર સીધા ગાંધીનગરથી દરોડા પડશે તેવા સ્પષ્ટ સંકેત આપતા જ રાજ્ય પોલીસ તંત્રમાં પણ હવે છાસ પણ ફુંકી ફુંકીને પીવી પડે તેવા સંજોગો સર્જાય તો નવાઈ નહિં.

સ્ટેટ મોનીટરીંગ સેલમાં સૌ પ્રથમ વખત લાગવગને બદલેે લાયકાતના ધોરણે નિમણુંક  કરવાનું આયોજન ડીજીપી શિવાનંદ ઝા એ કર્યુ હોય તેમ તમામના સર્ર્વિસ શીટ તપાસી  તેઓના ઇન્ટરવ્યુ બાદ  પસંદગી કરવામાં આવી છે. ૬ પી.એસ.આઇ સાથોસાથ અન્ય ૧પ ની પસંદગી થઇ છે. તેમાં એક એ.એસ.આઇ., નવ હેડ કોન્સ્ટેબલ, અને પ  કોન્સ્ટેબલની નીમણુ઼ક રાજકોટ, અમદાવાદ, સુરત,બોટાદ, ગિર-સોમનાથ, સુરત ગ્રામ્ય, મહેસાણા, અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી કરવામાં આવી છે.

અત્રે યાદ રહે કે સ્ટેટ મોનીટરીંગ સેલમાં એમ.જે. ક્રિશ્ચયન સહીત ત્રણેય પી.આઇ.ની જગ્યા હાલ ખાલી છે. હાલમાં ફકત એક જ મહિલા ડી.વાય.એસ.પી. છે. ડી.વાય.એસ.પી. પદે જેનું નામ બોલાતું હતુ તેવા ભગીરથસિંહ વી. ગોહિલની બદલી અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચમાં થતા હવે કોઇ અન્ય ડીવાયએસપી અંગે વિચારવાનું રહેશે.

આમ દિપોત્સવી તહેવારોમાં ગાંધીનગરથી દારૂના સીધા દરોડાઓ દારૂબંધીની નીતિનો કડકાઈથી અમલ કરવા પડવાની વણઝાર શરૂ થાય તો નવાઈ પામવા જેવુ નહિ ગણાય.(૨-૭)

(11:57 am IST)