Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

અમેરિકાના કોન્સ્યુલ જનરલ ડેવિડ જે. રેન્ઝ ટ્રેનથી સુરત પહોંચ્યા :વિવિધ સ્થળોની મુલાકાત લીધી : સુરતી વાનગીનો માણ્યો સ્વાદ

ચીઝ લોચો, દાળના સમોસા, રસાવાળા ખમણ, ગારલીક ઈડદા, સુરતી ખાજા, બદામ પિસ્તા ઘારીની સ્વાદ લીધો : ધારીના રસપ્રદ ઇતિહાસ વિશે જાણ્યું

સુરત : અમેરિકાના કોન્સ્યુલ જનરલ ડેવિડ જે. રેન્ઝ બે દિવસ માટે સુરતના મહેમાન બન્યા હતા.તેઓ  પ્લેન નહીં પણ ટ્રેનની મુસાફરી કરીને સુરત આવ્યા હતા. આ તેમની ટ્રેનની પહેલી સફર હતી. ટ્રેનમાંથી ઉતરીને જ તેમને હાથ જોડીને સુરતીઓનું અભિવાદન કર્યું હતું.

તેઓને ટ્રેનમાં મુસાફરી કરવાની ખૂબ જ મજા આવી. તેઓ બારીમાંથી બહારના દ્રશ્યોનો નજારો માણતા મુસાફરી કરીને સુરત આવ્યા છે. સુરત વિશે તેઓએ અત્યાર સુધી ઘણું સાંભળ્યું હતું પણ સુરત વિશે વધુ જાણવા તેઓ ખૂબ ઉત્સાહિત દેખાયા હતા

દુનિયાના કોઈ પણ ખુણે વસતો માણસ સુરત આવે અને લોચા, ખમણ, ખાજા કે ઘારી ખાધા વગર કોઈ કેવી રીતે રહી શકે? આવું જ અમેરિકી કોન્સ્યુલ જનરલે પણ કર્યું. હોટેલમાં બે કલાક રોકાયા બાદ તેઓ તુરંત જ સુરતી ફૂડની મજા માણવા નીકળ્યા હતા. તેઓએ ગોપાલ લોચાની દુકાનમાં ચીઝ લોચો, દાળના સમોસા, રસાવાળા ખમણ, ગારલીક ઈડદા, સુરતી ખાજા, બદામ પિસ્તા ઘારી, ગુજરાતી ભોજનનો સ્વાદ માણ્યો હતો

અહીં તેઓએ લોચા અને ઘારીના રસપ્રદ ઈતિહાસ વિશે પણ માહિતી મેળવી હતી. અમેરિકન રાજદૂત ડેવિડ. જે. રેંઝને સ્પાઈસી અને મસાલાવાળું ફૂડ બહુ ભાવે છે. જેથી તેમને સુરતી ડીલાઈટ ખૂબ ગમી હતી. તેઓએ અમેરિકામાં જો લોચાની દુકાન ખુલે તો તેની મુલાકાત પણ અચુકથી લેવાની વાત કરી હતી.

બીજા દિવસે સોમવારે તેઓ સવારે સુરત મહાનગરપાલિકા કચેરી પર પહોંચ્યા હતા. જ્યાં તેઓએ USAID વિભાગ સાથે મિટિંગ કરી હતી. TB રોગના નિવારણ માટે સુરત મહાનગરપાલિકાની કામગીરી અંગે તેઓએ જાણકારી મેળવી હતી. તે બાદ તેઓએ સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની અને મેયર હેમાલી બોઘાવાળા, સ્ટેન્ડિંગ ચેરમેન પરેશ પટેલ સહિતના પાલિકાના પદાધિકારીઓ સાથે બેઠક કરી હતી.

આ મિટિંગમાં તેઓએ સુરતના વિકાસ અને સ્માર્ટ સીટી તરીકે સુરતની ઉપલબ્ધી વિશેની માહિતી મેળવી હતી. સુરતના વિવિધ પ્રોજેકટ અને ભવિષ્યમાં સાકાર થનાર મહત્વના વિકાસ કામોની યાદી જોઈને તેઓ ખૂબ પ્રભાવિત પણ થયા હતા.

તેઓ સુરતની અગ્રગણ્ય ડાયમંડ કંપની કિરણ જેમ્સની મુલાકાતે ગયા હતા. જ્યાં તેઓએ ડાયમંડ સીટી સુરત વિશે વિસ્તૃત જાણકારી લીધી હતી. ડાયમંડ કટિંગ અને પોલીશીંગનું હબ ગણાતા સુરતમાં 10માંથી 9 હીરા જ્યારે સુરતમાં બને છે, ત્યારે કિરણ જેમ્સમાં તેઓએ અલગ અલગ યુનિટોમાં જઈને ડાયમંડ મેકિંગની પ્રોસેસિંગ જાણી હતી. આ બાદ તેઓએ ઑરો યુનિવર્સીટીની પણ મુલાકાત કરી હતી. જ્યાં પારંપરિક રીતે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતુ.

(11:46 pm IST)