Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે બનાવેલ 41 કુંડમાં 1121 ગણપતિની મૂર્તિઓનું વિસર્જન

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા વિવિધ ઝોનમાં ગણપતિની મુર્તિના વિસર્જન માટે ખાસ વ્યવસ્થા

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા શહેરના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ગણપતિની મુર્તિના વિસર્જન માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિ.એ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 41 જેટલા કૃત્રિમ કુંડ તૈયાર કરવામાં આવ્યા છે જ્યાં બે દિવસમાં 1121 ગણપતિની મુર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિ.એ જણાવ્યું હતુ કે, છેલ્લા બે દિવસમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે બનાવેલા 41 કુંડમાં 1089 નાની મુર્તિઓ જ્યારે 32 મોટી મુર્તિઓનું વિસર્જન કરાયું છે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ખાતા દ્વારા આજે જાહેર કરાયેલા આંકડા મુજબ, શહેરના પૂર્વ ઝોનમાં ચાર વિસર્જન કુંડ તૈયાર કરાયા છે જ્યાં આજે ત્રણ મુર્તિઓનું વિસર્જન થયું હતુ. પશ્ચિમ ઝોનના સાબરમતી રિવરફ્રન્ટ તરફ 9 કુંડ બનાવવામાં આવ્યા છે જેમાં 246 નાની મુર્તિઓ અને 32 જેટલી મોટી મુર્તિઓ સાથે કુલ 278 મુર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતુ. ઉત્તર ઝોનના 6 કુંડમાં 14 મુર્તિઓ, દક્ષિણ ઝોનના પાંચ કુંડમાં 17 મુર્તિઓ, મધ્ય ઝોનના સાત કુંડમાં 806 મુર્તિઓ અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં કરાયેલા 5 કુંડમાં 3 મુર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતુ.

અમદાવાદ મ્યુનિ.ના હેલ્થ અને સીએનસીડી ખાતા દ્વારા આજે પૂર્વ વિસ્તારમાં જાહેર રોડ કે પ્લોટમાં ઘાસનું વેચાણ કરતાં એકમો સામે કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં પૂર્વ ઝોનમાં 230 કિલો ઘાસચારો જપ્ત કરવામાં આવ્યો હતો જ્યારે 19 નોટિસ ઇસ્યુ કરવામાં આવી હતી જ્યારે 10 રખડતા પશુઓને પકડવામાં આવ્યા હતા જ્યારે 3500નો દંડ કરવામાં આવ્યો હતો.

(11:15 pm IST)