Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

વડોદરામાં માણેજા વુડાના મકાન નજીક રસ્તા પરનું પાણી ઉડવા બાબતે થયેલ મારામારીમાં સાત ગંભીર રીતે ઈજાગ્રસ્ત

વડોદરા: માણેજા વુડાના મકાન પાસે રોડ પરના ખાડામાં કારનું ટાયર પડતા નજીકમાંથી પસાર થતા બાઇકસવાર પર પાણી ઉડયુ હતું.જેના કારણે બંને વચ્ચે ઝઘડો થતા પાઇપથી હુમલો કરવામાં આવ્યો હતો.ઇજાગ્રસ્ત કારચાલકને ૧૫ ટાંકા આવ્યા છે.જ્યારે લાકડાથી થયેલા હુમલામાં ઇજાગ્રસ્ત બાઇકસવારને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.મકરપુરા પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ,વાઘોડિયા રોડ પરના અણખોલ ગામે રહેતો અક્ષય પાટણવાડિયા ખેતીકામ કરે છે.આજે બપોરે તે અન્ય મિત્રો સાથે માણેજા વિસ્તારમાં આવેલા મહીસાસુર દાદાના મંદિરે દર્શન કરવા કાર લઇને નીકળ્યો હતો.માણેજા વિસ્તારમાંથી પસાર થતા સમયે રોડ પરના ખાડામાં તેની કારનું ટાયર પડતા ખાડાનું પાણી ઉડીને બાઇક લઇને જતા ઇસ્લામુદ્દીન ઇશાકખાન  પઠાણ (રહે.વુડાના મકાનમાં,માણેજા ) પર પડયું હતું.જેથી,બાઇકચાલકે અક્ષયને  ગાળો આપી હતી.અને કાર ઉભી રાખવા કહ્યું હતું.અક્ષયે થોડે દૂર કાર ઉભી રાખતા ઇસ્લામુદ્દીને તેની સાથે ઝઘડો શરૃ કર્યો હતો.થોડીવારમાં જ ઇસ્લામુદ્દીનના અન્ય સાગરીતો દોડી આવ્યા હતા.તમામે ભેગા મળીને અક્ષય પર હુમલો કર્યો હતો.પાઇપથી થયેલા હુમલામાં અક્ષયને ગંભીર ઇજા પહોંચી હતી.તેને ૧૫ ટાંકા આવ્યા છે.

(5:57 pm IST)