Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

હવે વધુ વરસાદથી કપાસ-મગફળીને ખતરો : અતિવૃષ્ટિનો ભય

સપ્ટેમ્બરના વરસાદથી ખેતી અને પીવાના પાણીની દ્રષ્ટિએ ફાયદો પણ હવે ખમૈયા જરૂરી : શિયાળુ પાક માટે આશાસ્પદ ચિત્ર

રાજકોટ,તા. ૧૩ : રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી મેઘરાજા રમઝટ બોલાવી રહ્યા છે. હાલના વરસાદથી વાવેતર અને ખેતીની દ્રષ્ટિએ ફાયદો છે. પણ હાલનું વરસાદી વાતાવરણ અને વરસાદની આગાહી જોતા લીલા દુષ્કાળનો ભય રહ્યો છે. અત્યારે પણ અમૂક વિસ્તરોમાં વધુ પડતો વરસાદ પડી જતા ખેતીને નુકશાન થઇ ગયું છે.

સૌરાષ્ટ્રમાં મુખ્યત્વે કપાસ અને મગફળીનું વાવેતર થયું છે. કૃષિ નિષ્ણાંતો એવું કહી રહ્યા છે કે જ્યાં છેલ્લા બે દિવસથી પ્રમાણસર વરસાદ થયો છે. ત્યાં વાવેતરને ફાયદો થયાં છે. જ્યાં વધુ વરસાદ પડ્યો છે. ત્યાં ખેતીને નુકશાન થઇ શકે છે. ખેતરમાં વધુ પાણી ભરાવાથી પાકને નુકશાનનો લાભ વધુ છે.  હવે વરાપની જરૂર છે.

જુલાઇમાં વાવણી થયા પછી ઓગષ્ટના મેઘરાજાએ મો ફેરવી લેતા ખેડૂતો ચિંતિત થઇ ગયેલ. સપ્ટેમ્બરમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. આજની સ્થિતીએ વરસાદથી મોટાભાગના વિસ્તારોમાં ખેતીને ફાયદો થયો છે. જો આગાહી મુજબ હજુ બે-ચાર દિવસ પુષ્કળ વરસાદ પડે તો  ખેતીને નુકશાન થશે. અતિવૃષ્ટિનો ભય અસ્થાને નથી. વરસાદી નવા નીરથી ડેમોમાં આવક થતા ફાયદો થયો છે.

(4:44 pm IST)