Gujarati News

Gujarati News

News of Friday, 13th September 2019

ટ્રાફિકના નવા નિયમોનો સખતાઇથી નહિ, વ્યવહારૂ અમલ કરાવવા સૂચના

હેલમેટ - પીયૂસી બાબતે લોકોનો રોષ જોઇને તાબડતોબ વિડીયો કોન્ફરન્સથી પોલીસ - કલેકટરોને મુખ્ય સચિવ માર્ગદર્શન : લોકોને પીડા થાય તેવી રીતે ન વર્તવુઃ પીએસઆઇ સુધીના અધિકારીઓને બેઠક યોજી સમજણ આપવા જિલ્લા તંત્રને સૂચના

રાજકોટ, તા. ૧૩ :. રાજ્ય સરકારે ટ્રાફીકના નવા નિયમોનો તા. ૧૬ સોમવારથી અમલ કરવાનું જાહેર કર્યુ છે. હાલના દંડ કરતા વધુ અને કેન્દ્રના જાહેર કરેલ દંડ કરતા ઓછા દંડની જોગવાઈ છે. પી.યુ.સી. હેલ્મેટ, સીટ બેલ્ટ વગેરે બાબતના સરકારના વલણથી લોકોમાં રોષ વ્યાપી ગયો છે. સોમવારથી કાયદાનો અમલ થતા શું થશે ? તેવો લોકોમાં ઉચાટ થઈ ગયો છે ત્યારે આજે રાજ્યના મુખ્ય સચિવ શ્રી જે.એન. સિંઘે તાબડતોબ તમામ કલેકટરો અને શહેર જિલ્લાના પોલીસ વડાઓની વિડીયો કોન્ફરન્સ યોજી નવા નિતીનિયમોનો સખ્તાઈથી નહિ પણ વ્યવહારૂ રીતે અમલ કરાવવા સૂચના આપ્યાનું જાણવા મળે છે. તેમણે પોલીસ તંત્રમાં પીએસઆઈ સુધીના અધિકારીઓની મીટીંગ કરી નવા નિયમ બાબતે વાકેફ કરવા અને પોલીસ સ્ટાફને નિયમોનું ખુદને ચુસ્ત પાલન કરવા સૂચના આપવા જણાવ્યુ છે.

શ્રી જે.એન. સિંઘે સોમવારથી ટ્રાફીકના નવા કાયદાનો અમલ થાય પરંતુ લોકોમા ભય ન થઈ જાય તેની તકેદારી રાખવા સૂચના આપી છે. ડીઝીટલ લોકર ઉપરાંત એમ. પરિવહન એપ્લીકેશનમાં રહેલા ડોકયુમેન્ટ પણ માન્ય ગણવા તેમણે જણાવ્યુ છે. પી.યુ.સી.ની જેમ હાઈસિકયુરીટી નંબર પ્લેટની મુદતમાં વધુ વધારો કરવા વિચારવાનો તેમણે નિર્દેશ કર્યો હતો.

નવા કાયદાનો અમલ થાય અને લોકોમાં ગભરાહટ ન થાય તે રીતે વર્તવા તેમણે પોલીસને સૂચના આપી હતી. પોલીસ અધિકારીઓને પોતાના સૂચનો મોકલી આપવા તેમણે જણાવ્યુ હતુ. સખ્તાઈના બદલે ધીરે ધીરે કાયદાનો અમલ કરાવવા સાથે લોક જાગૃતિ પણ આવે તે બાબત પર તેમણે ભાર મુકયો હતો.

(3:56 pm IST)