Gujarati News

Gujarati News

News of Thursday, 13th September 2018

ઇકોફ્રેન્ડલી પ્રતિમા જે પાણીમાં વિસર્જિત કરવાથી છોડ બનશે

આણંદ પાસેના મધુભન રિસોર્ટનો અનોખો પ્રયાસઃ વિદેશી મહેમાનો સહિત ૧૦૦થી વધુ લોકોનો ઇકો ફ્રેન્ડલી ગણેશમૂર્તિ અર્પણ કરીને પર્યાવરણ જતન માટેનો સંકલ્પ

અમદાવાદ,તા.૧૩: દર વર્ષે ગણેશ ચતુર્થીના સમયમાં હજારો ગણેશ મૂર્તિઓ નદીઓ, સમુદ્રો અને અન્ય જળાશયોમાં તરતી દેખાય છે. આ મૂર્તિઓ મોટેભાગે પ્લાસ્ટર ઑફ પેરિસથી બનેલી હોય છે અને તેના કારણે પાણી પ્રદૂષિત થાય છે અને પાણીમાં રહેતાં પ્રાણીઓનું મૃત્યુ થાય છે અને તે બાયો-વિવિધતા પર પણ અસર કરે છે ત્યારે અમદાવાદથી આણંદ જતાં માર્ગમાં આવતાં પ્રસિધ્ધ મધુભન રિસોર્ટમાં આજે ગણેશચતુર્થીની કંઇક અલગ અને અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. મધુભન રિસોર્ટ દ્વારા વિદેશી મહેમાનો સહિતના ૧૦૦ મહાનુભાવોને ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ અર્પણ કરી પર્યાવરણ જતનના સંકલ્પ સાથેનો અનોખો સંદેશો વહેતો કરાયો હતો. આ ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિની વિશેષતા એ છે કે, આ મૂર્તિને પાણીમાં કે કૂંડા(પોટ)માં પધરાવ્યા બાદ તેમાં વિવિધ પ્રકારના છોડ અને ફુલ આકાર પામશે એમ અત્રે મધુભનના સીઇઓ તરૃણાબહેન પટેલે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે, મધુભન રિસોર્ટ અને સ્પા ગણેશ ચતુર્થીની પર્યાવરણ-મૈત્રીપૂર્ણ રીતે ઉજવણી કરવામાં દર વર્ષે કંઇક નવો અને અનોખો પ્રયાસ કરે છે. ભગવાને આપણને પ્રકૃતિ આપી છે અને આપણી જવાબદારી છે કે તે પાછું આપવું અને તેનું જતન અને જાળવણી કરવી. આ સૂત્રને ધ્યાનમાં રાખીને, મધુભન રિસોર્ટ અને સ્પા દ્વારા આ વખતે માટીની બનાવેલી તેમની અનન્ય ગણેશ મૂર્તિઓ સાથે આગળ આવ્યુ છે. આ મૂર્તિઓ તદ્દન કુદરતી અને પર્યાવરણમિત્ર(ઇકો ફ્રેન્ડલી) છે. આ મૂર્તિઓમાં વિવિધ ફૂલો અને છોડના બીજ જડિત હોય છે, જેથી મૂર્તિને પોટ કે કૂંડામાં ડુબાડી વિસર્જન કરાય ત્યારે તેમાંથી વનસ્પતિ ઉગે અને ભગવાન ગણેશ પણ એક છોડના રૃપમાં જાણે જીવંત રહેશે.  મધુભનમાં વિદેશી સહિતના આમંત્રિત મહેમાનોને ગણેશજીની  ૧૦૦ થી વધુ ઇકોફ્રેન્ડલી મૂર્તિઓ આપવામાં આવી હતી.

રિસોર્ટમાં રહેલા યુ.કે.ના એક મહેમાન એન્ડ્રુ વેલ્શ દ્વારા પ્રકૃતિને  નુકસાન કર્યા વિના તહેવાર ઉજવવાની પહેલની પ્રશંસા કરવામાં આવી હતી. ગણેશની મૂર્તિની વિશેષતાથી પ્રભાવિત થઇ તેમણે જણાવ્યું કે, તેઓ ભારતના ઉત્સવો અને ઉજવણીને પસંદ કરે છે અને આ ખૂબ જ ઉમદા તેમ જ પર્યાવરણીય જતનનો વિચાર હોઇ તેને પ્રોત્સાહન આપવું જોઈએ. વિશ્વને રિસાયકલ કરવાની જરૃર છે અને એવા વિકલ્પોનું નિર્માણ કરવું જોઈએ જે પ્રકૃતિને પ્રદૂષિત ના કરે. તેમની પત્ની શ્રીમતી લેસ્લી વેલ્શે જણાવ્યું કે, ગણેશ ભગવાનની આ વિશેષ મૂર્તિ સાથે અમે તેની પર્યાવરણ મિત્રતાને માણી છે, અમે આ ગણેશજીને અમારી સાથે લઈશું અને અમારા ઘેર લંડનમાં અમે તેની રોપણી કરીશું.

(10:23 pm IST)