Gujarati News

Gujarati News

News of Thursday, 13th September 2018

આણંદમાં ફરિયાદ અંગે અદાલતમાં જુબાની આપવાની ના કહેતા માતા-પુત્રી પર ચપ્પુથી હુમલો

આણંદ: શહેરના પરીખભુવનમાં આવેલી પોસ્ટલ કોલોનીમાં અગાઉ થયેલી ફરિયાદ અંગે કોર્ટમાં જુબાની નહી આપવા દેવાની બાબતે એક શખ્સે દલિત મહિલા અને તેની પુત્રીને અપમાનિત કરીને ચપ્પાના ઘા મારતાં આ અંગે શહેર પોલીસે એટ્રોસીટી વીથ મારામારીનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે. 
પ્રાપ્ત વિગતો અનુસાર પોસ્ટલ કોલોનીમાં રહેતા મનિષભાઈ અરવિંદભાઈ દવે વિરૂદ્ઘ નજીકમાં જ રહેતી દલિત યુવતી જ્યોતિકાબેને ફરિયાદ આપી હતી જે કેસની આગામી ૧૭મી તારીખના રોજ આણંદની કોર્ટમાં મુદ્દત છે. આ વખતે કોર્ટમાં જુબાની આપવા માટે નહીં જવા માટે ગઈકાલે રાત્રીના નવેક વાગ્યાના સુમારે મનિષભાઈએ કહ્યું હતુ. પરંતુ જ્યોતિકાબેન અને તેમની માતા ડહીબેને જુબાની આપવા જવાનું કહેતા જ મનિષભાઈ એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને જાતિવાચક અપશબ્દો બોલીને પોતાની પાસેનું ચપ્પુ કાઢીને ડહીબેનને મારી દીધું હતુ. જ્યોતિકાબેન વચ્ચે પડતા તેણીને પણ પેટના ભાગે મારી દેતાં બન્ને લોહીલુહાણ થઈ જવા પામ્યા હતા. દરમ્યાન આસપાસના લોકો એકત્ર થઈ જતાં વધુ મારમાથી બચી જવા પામ્યા હતા. 
આ અંગે ૭૧ વર્ષીય વૃધ્ધા ડહીબેને આણંદ શહેર પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે ગુનો દાખલ કરીને મનિષભાઈ દવેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

 

(6:04 pm IST)