Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

પારણા બાદ હાર્દિક પટેલ પર નીતિન પટેલના પરોક્ષ પ્રહાર

પારણાં કરવાનો નિર્ણય સારો છે : નીતિન પટેલઃ ગુજરાત સાથે કોઇપણ પ્રકારના લેવા દેવા ન ધરાવનારના હાથે હાર્દિકે પાણી પીધું પણ નરેશ પટેલનો અનાદર કર્યો

અમદાવાદ,તા.૧૨: ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે હાર્દિક પટેલ ઉપર ફરી એકવાર પ્રહાર કર્યા હતા. હાર્દિક પટેલની પરોક્ષરીતે ઝાટકણી પણ કાઢી હતી. નીતિન પટેલે કહ્યું હતું કે, ગુજરાત સાથે જેને કોઇ પ્રકારના લેવા દેવા નથી તેમના હાથે હાર્દિકે પાણી પીધું છે પરંતુ હાર્દિકે નરેશ પટેલના આદરનો અનાદર કર્યો હતો. આને લઇને પહેલા પણ પ્રશ્નો ઉઠ્યા હતા અને આજે નીતિન પટેલે આખરે પ્રશ્ન કરી દીધો હતો. હાર્દિક પટેલે પારણા કર્યા બાદ અને  આ અંગે પાસ કન્વીનર મનોજ પનારાએ જાહેરાત કર્યાના થોડા સમયમાં જ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે હાર્દિકના પારણાં અંગે પ્રતિક્રિયા આપી હતી. આ દરમિયાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, હાર્દિકે સ્વયં પારણાં અંગે જાણકારી આપી. મોડે મોડે પણ પારણાં કરવાનો નિર્ણય સારો છે.હાર્દિકે સમાજના અગ્રણીઓની લાગણી દુભાવી છે. હાર્દિકે પારણાં કરવાનો થોડો મોડો નિર્ણય લીધો તેણે આ નિર્ણય પહેલાં કરવાની જરૂર હતી. મારે હાર્દિકને પૂછવું છે કે, જેને ગુજરાત સાથે કોઈ લેવા દેવા નથી, તેમના હાથે પાણી કેમ પીધું? હાર્દિકે નરેશ પટેલના આદરનો અનાદર કર્યો છે. નીતિન પટેલે આગળ જણાવ્યું હતું કે, હાર્દિકે સરકારની સલાહ માની નહોતી. પાટીદાર સમાજના આગેવાનો સરકાર સાથે ચર્ચા કરે છે. સરકાર વ્યાજબી અને યોગ્ય મુદ્દાઓ સ્વીકારે છે. અમારી પાસે રાજ્યનો કોઈ પણ સમાજ પોતાની માંગણી કે મળવા આવે તો અમે તેમને સમય આપીએ છીએ. હાર્દિક પટેલના આ નિર્ણયની જાણ અમને આજે મળેલી મંત્રીમંડળની મીટિંગમાં થઈ હતી. નાયબ મુખ્યમંત્રીએ પોતાની વાત પૂર્ણ કરતા કહ્યું હતું કે, ગુજરાતમાં શાંતિ સલામતી એક્તા અને એક્તાનો વ્યવહાર સારી રીતે ચાલે, અમારી પ્રજાલક્ષી કામગીરી, ખેડૂતલક્ષી, યુવાલક્ષી , મહિલાલક્ષી, સૌનો સાથ સૌનો વિકાસની કામગીરી પ્રજા આવકારી રહી છે.

(10:04 pm IST)