Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર ક્ષેત્રમાં ગુજરાત અગ્રેસર છે

સમાજ સુરક્ષા ખાતાને કેન્દ્ર તરફથી એવોર્ડઃ વચેટિયા પ્રથા દૂર કરીને લાભાર્થીને લાભોની રકમ સીધી બેંકમાં જમા કરાવવા બદલ રાજ્યની કામગીરીની પ્રશંસા

અમદાવાદ,તા.૧૨: સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ઇશ્વરસિંહ પરમારે જણાવ્યું છે કે, ગુડ ગવનર્ન્સ થકી લાભાર્થીઓને સીધા લાભ આપવા માટે ગુજરાત સરકારે જે આયોજનો કર્યા છે તે રાષ્ટ્રીય સ્તરે પ્રસ્થાપિત થયા છે. કેન્દ્ર સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય સામાજિક સહાયતા કાર્યક્રમ અંતર્ગત લાભાર્થીઓને ડાયરેક્ટ બેનીફીટ ટ્રાન્સફર દ્વારા સહાય ચૂકવણી બદલ ગુજરાત સરકારને એવોર્ડ આપવામાં આવ્યો છે તે આપણા સૌ માટે ગૌરવ સમાન છે. મંત્રી પરમારે ઉમેર્યુ કે, રાજ્યમાં વચેટીયા પ્રથા દુર થાય અને જરૂરીયાતમંદ લાભાર્થીઓને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો સીધા મળે તે માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યુ છે. મુખ્યમંત્રીએ ટેકનોલોજીના માધ્યમ દ્વારા પારદર્શી વહીવટ અને ગુડ ગવર્નન્સ થકી જે લાંબા ગાળાના આયોજનો કર્યા છે તેના પરિણામ સ્વરૂપે આ સફળતા મળી છે જે માત્ર ને માત્ર રાજ્ય સરકારની હકારાત્મક નીતિને આભારી છે. મંત્રી પરમારે ઉમેર્યુ કે, રાજ્ય સરકારના સમાજ સુરક્ષા ખાતા હેઠળની વિવિધ યોજનાઓના તમામ લાભાર્થીઓને વર્ષ ૨૦૧૮-૧૯થી દ્વારા સૌ પ્રથમ ચૂકવણી ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી છે તે બદલ આ એવોર્ડ પ્રાપ્ત થયો છે. આ તમામ યોજનાના અંદાજે ૭ લાખથી વધુ લાભાર્થીઓને પ્રતિ માસ તા.૧ થી ૫ દરમિયાન ૫૧૪૩.૮૮ લાખની સહાય સીધે સીધી તેમના બેન્ક ખાતામાં સંપૂર્ણ પારદર્શી રીતે ચૂકવી દેવામાં આવે છે. મંત્રીએ કહ્યુ કે, કેન્દ્ર સરકાર પુરસ્કૃત ઇન્દીરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન સહાય યોજનાના ૬૦,૩૬૯૦ લાભાર્થીઓને માસિક પેન્શન ૪૨૧૧.૬૫ લાખની સહાય, તથા રાજ્ય સરકાર પુરસ્કૃત નિરાધાર વૃદ્ધ સહાય યોજનાના ૭૩,૩૧૬ લાભાર્થીઓને ૪૯૧.૪૭ લાખની માસિક સહાય, ઇન્દીરા ગાંધી રાષ્ટ્રીય વિકલાંગ પેન્શન યોજના હેઠળ ૧૦,૯૮૨ લાભાર્થીઓને ૭૩.૧૭ લાખની સહાય, સંત સુરદાસ વિકલાંગ પેન્શન યોજનાના ૪૧,૬૦૮ લાભાર્થીઓને ૨૮૬.૫૯ લાખની માસિક ચૂકવણી અને પાલક માતા-પિતા યોજના અન્વયે રાજયના અનાથ બાળકોને માસિક ૩૦૦૦ લેખે કુલ ૧૧૦૭ લાભાર્થીઓને ૮૧લાખની ચૂકવણી કરી દેવાઇ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૬-૧૭માં ભારત સરકાર દ્વારા આ તમામ યોજનાના લાભાર્થીઓને દ્વારા લાભ આપવાનું નક્કી કરાયુ હતું. જે હેઠળ રાજ્ય સરકાર દ્વારા ઇન્દીરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના અને ઇન્દીરા ગાંધી રાષ્ટ્રીય વિકલાંગ પેન્શન યોજનાના તમામ લાભાર્થીઓને એ જ વર્ષથી સહાય આપવાનું શરૂ કરાયુ હતું. રાષ્ટ્રીય સામાજિક સહાયતા કાર્યક્રમની વૃદ્ધ પેન્શન યોજના અને વિકલાંગ પેન્શન યોજનાના તમામ લાભાર્થીઓને ડીબીટી દ્વારા સમગ્ર ભારતમાં લાભ આપવામાં ગુજરાત સરકારે સૌ પ્રથમ વખત કામગીરી શરૂ કરી છે તે બદલ આ એવોર્ડ પ્રાપ્ત થયો છે. વર્ષ ૨૦૧૭-૧૮માં સમાજ સુરક્ષા ખાતાની વૃદ્ધ પેન્શન યોજના, વિકલાંગ પેન્શન યોજના અને પાલક માતા-પિતા યોજનાના તમામ લાભાર્થીઓને આધાર બેઇઝ પેન્શનની ચૂકવણી કરવામાં ગુજરાત સરકાર સમગ્ર દેશમાં ઝારખંડ પછી બીજા ક્રમે હોવાથી આધાર બેઇઝ પેન્શન ચૂકવવા બદલ રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજનામાં કામગીરીની નોંધ પણ લેવાઇ છે તેનો ઉલ્લેખ કરી મંત્રી પરમારે તમામ અધિકારી કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા છે.

(10:03 pm IST)
  • અમદાવાદ :એસ જી હાઇવે પર દૂધ ઢોળવાનો કેસ:સોલા પોલીસે કોગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને નોટિસ ફટકારી :આ કેસમાં અલ્પેશ ઠાકોરની કથિત સંડોવણીને લઈને આપવામાં આવી નોટીસ access_time 12:45 am IST

  • ગુજરાતના મંત્રી વિભાવરીબેન દવેના પતિ વિજયભાઈ ઉપેન્દ્રભાઈ દવેનું આજ રોજ તારીખ 13/9/2018ના સાંજે દુઃખદ અવસાન થયેલ છે:તેમના અંતિમ વિધિ તારીખ 14/9/2018 ના રોજ સવારે 9.00 કલાકે ભાવનગર ખાતેના નિવાસ સ્થાને રાખેલ છે access_time 11:28 pm IST

  • પોરબંદર:દરિયામાં પાકિસ્તાન મરીનનો આતંક યથાવત:3 ભારતીય બોટ સાથે 18 માછીમારોના અપહરણ: IMBL નજીક માછીમારી વેળાએ બોટને ઉઠાવાઈ:અપહરણ કરાયેલ બોટ ઓખા અને પોરબંદરની હોવાની શક્યતા access_time 12:02 am IST