Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

૧૪ મહિના બાદ પણ કચરો એકઠો કરવામાં અનેક પ્રશ્નો

યુઝર્સ ચાર્જ વસૂલવાની દરખાસ્તને લઇ વિવાદ : કચરો એકત્ર કરવાની સિસ્ટમ હજુય નિયમિત થઇ નથી ત્યારે ચાર્જ વસૂલવાની વાત ક્યાં આવે : લોકોના સવાલ

અમદાવાદ, તા.૧૨ :મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા શહેરીજનો પાસેથી સૂકો અને ભીનો કચરો અલગથી એકત્રિત કરવા માટેની ડોર ટુ ડોરની નવી સિસ્ટમમાં આજે પણ અનેક પ્રકારનાં ધાંધિયાં છે. ૧૪ મહિના બાદ પણ આ નવી સિસ્ટમની ગાડી પાટે ચઢી નથી. ત્યારે બીજીબાજુ, અમ્યુકો તંત્રની કચરો એકઠો કરવાની કામગીરી માટે યુઝર્સ ચાર્જ વસૂલ કરવાની દરખાસ્તે નવો વિવાદ સર્જાયો છે. અમ્યુકોની યુઝર્સ ચાર્જની દરખાસ્તને લઇ શહેરીજનોમાં ખાસ કરીને મહિલાઓમાં ઉગ્ર આક્રોશની લાગણી ભભૂકી ઉઠી છે. કારણ કે, કચરો એકત્ર કરવાની કામગીરીનું તંત્રના માણસો દ્વારા ચુસ્ત રીતે કે નિયમિત ધોરણે પાલન જ કરાતું નથી તો, યુઝર્સ ચાર્જ વળી કેવો વસૂલવાનો હોય તેવો ગંભીર સવાલ નગરજનો અમ્યુકો સત્તાવાળા સમક્ષ ઉઠાવી રહ્યા છે. પૂર્વ મેયર ગૌતમ શાહના કાર્યકાળમાં તેમના નારણપુરા વોર્ડ અને ઇસનપુર વોર્ડ એમ બે વોર્ડમાં નાગરિકો પાસેથી સૂકો અને ભીનો કચરો એકત્ર કરવાની ડોર ટુ ડોરની નવી સિસ્ટમ કાર્યરત કરાઇ હતી. ગત તા.૧૪ જુલાઇ, ર૦૧૭એ માત્ર ૧૭-૧૮ વાહન સાથે ડોર ટુ ડોરની નવી સિસ્ટમનો ઉતાવળથી પ્રારંભ કરાયો હતો. ત્યારબાદ ક્રમશઃ નવરંગપુરા, જોધપુર, મણિનગર, વટવા, ગોમતીપુર, ઓઢવ, શાહીબાગ, બાપુનગર એમ વિભિન્ન વોર્ડમાં ડોર ટુ ડોરની નવી સિસ્ટમ શરૂ કરાઇ હતી. ડોર ટુ ડોરની નવી સિસ્ટમમાં પણ કચરો એકઠો કરનારી ગાડીમાં શાકભાજીની હેરફેર કરાય છે, રોડ પરનો કચરો સફાઇ કર્મચારીઓ ગાડીમાં ઠાલવે છે. ડોર ટુ ડોરના પોઇન્ટ ઓફ ઇન્ટરેસ્ટ (પીઓઆઇ) કવર થતા નથી, મકાનના રિનોવેશનનો ડેબ્રીજ ભરાય છે અને ખાસ તો સૂકો અને ભીનો કચરો અલગ કરીને લઇ જવાના બદલે અગાઉની જેમ એકસાથે ભેગો કરાય છે, જેવી અનેક ફરિયાદના ખુદ મ્યુનિસિપલ ભાજપના ટોચના પદાધિકારીઓ પણ તંત્ર સમક્ષ કરી ચૂક્યા છે. તંત્રના તમામ છ ઝોનમાં નવી સિસ્ટમ મુજબ ઝોનદીઠ બે કોન્ટ્રાક્ટરને કામ અપાયું છતાં પણ ડોર ટુ ડોરની કામગીરીના ધાંધિયાની ફરિયાદ તંત્રની સીસીઆરએસ સિસ્ટમ હેઠળના નંબર ૧પપ૩૦૩ સિવાય ક્યાંય થઇ શકતી નથી. પહેલાં દરેક કોન્ટ્રાક્ટરની કચરાની ગાડી પર તેનો કમ્પ્લેઇન નંબર લખાતો હતો. હવે તો ડોર ટુ ડોરની સિસ્ટમ ગેટ ટુ ડમ્પ બની ગઇ છે. આમ નાગરિકોને ડોર ટુ ડોરમાં ખાસ સંતોષ મળતો ન હોવા છતાં તંત્રની યુઝર્સ ચાર્જની દરખાસ્તે વિવાદના વમળ ઊભા કર્યા છે. દરમ્યાન આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમૂલ ભટ્ટને પૂછતાં તેમણે જણાવ્યું કે, નાગરિકો પાસેથી રોજના એક રૂપિયાનો યુઝર્સ ચાર્જ વધારે નથી, કેમ કે શહેરને સ્વચ્છ, સુંદર બનાવવા આ જરૂરી છે પરંતુ ગરીબો ઉપર તેનું ઓછું ભારણઆવે તેવા અમારા પ્રયાસરહેશે. અમે ટેક્સના બિલના આધારે ગરીબની વ્યાખ્યા નક્કી કરીશું. અમ્યુકો સત્તાવાળાઓ ગમે તેવો દાવો કે આશ્વાસન આપે પરંતુ નાગરિકોમાં યુઝર્સ ચાર્જની વિવાદીત દરખાસ્તને લઇ ઉગ્ર આક્રોશ છે તે સ્પષ્ટ છે. નાગરિકોએ યુઝર્સ ચાર્જની તખલઘી દરખાસ્ત રદ કરવા પણ માંગ કરી હતી.

(8:12 pm IST)