Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

તારાપુરના ઈન્દ્રણજમાં તસ્કરોએ નકુચા તોડી આભૂષણોની ચોરી કરી

તારાપુર: તાલુકાના ઈન્દ્રણજ ગામે આવેલા જૈન ઉપાશ્રયમાં રાત્રીના સુમારે ત્રાટકેલા તસ્કરોએ નકુચા તોડીને અંદર પ્રવેશ કરી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો જો કે ઉપાશ્રયમાં અગાઉ થયેલી કીંમતી આભૂષણોની ચોરી બાદ કશુંય નહીં મુકવાના લીધેલા બોધપાઠને લઈને તસ્કરોને ફોગટનો ફેરો પડ્યો હતો. ત્રણ તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામ્યા છે. જો કે આ અંગે તારાપુર પોલીસ મથકે હજી સુધી કોઈ ફરિયાદ થવા પામી નથી. 

 


પ્રાપ્ત વિગતો અનુસાર ઈન્દ્રણજ ગામે આવેલા જૈન ઉપાશ્રયમાં ત્રણેક જેટલા તસ્કરો ત્રાટક્યા હતા અને લોખંડના મુખ્ય દરવાજાનો નકુચો કાપી નાંખીને જાળી ખોલી અંદર ઘુસ્યા હતા ત્યારબાદ તમામ જગ્યાઓએ તપાસ કરી હતી પરંતુ કોઈ કીંમતી ચીજવસ્તુઓ, રોકડ કે આભૂષણો મળ્યા નહોતા. જેને લઈને તસ્કરોને ખાલી હાથે જવું પડ્યું હતુ. ચોરીની આ કોશિશની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી જેમાં ત્રણ જેટલા ચોરો ચડ્ડી બનિયન પહેરીને અંદરના ભાગે કીંંમતી વસ્તુઓ શોધતા નજરે પડે છે. 

સૂત્રોના જણાવ્યા અનુસાર એકાદ વર્ષ પહેલા આ જ જૈન ઉપાશ્રયને તસ્કરોએ નિશાન બનાવીને કીંમતી આભૂષણો સહિત લાખોની મત્તાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. ચોરીની આ ઘટના બાદ વ્યવસ્થાપકો દ્વારા ઉપાશ્રયમાં કોઈપણ કીંમતી વસ્તુ નહીં મૂકવાનો નિર્ણય લીધો હતો.

(4:48 pm IST)