Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

બે વર્ષમાં એક લાખ યુવાનોને રોજગાર અવસર અપાયા છે

નિમણૂંકપત્રો વિતરણનો સમારોહ યોજવામાં આવ્યોઃ રાજ્યના યુવાનોને નોકરી માટે સરકાર કટિબદ્ધ : રૂપાણી

અમદાવાદ,તા.૧૧: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગૌરવ સહ જાહેર કર્યુ છે કે રાજ્યમાં યુવાનોને સરકારી સેવામાં રોજગાર અવસરો મળે તે માટે આ સરકારે ઝડપી અને પારદર્શી ભરતી પ્રક્રિયાથી બે વર્ષમાં ૧ લાખ યુવાનોને રોજગારી આપી છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે ભૂતકાળમાં કોંગ્રેસી સરકારોએ ભરતી પર મૂકેલા પ્રતિબંધને કારણે વર્ષો સુધી બેકલોગ રહ્યો અને સરકારી સેવામાં ભરતીની ગેપને કારણે જગ્યાઓ ખાલી પડી રહી. આ સરકારે જૂનો બેકલોગ ભરવા સાથે પારદર્શી, ભ્રષ્ટાચાર રહિત અને માત્ર મેરિટ-ગુણવત્તાના આધારે ભરતી કરીને યુવાનોને સરકારી સેવામાં જોડાવાની તક આપી છે એમ પણ તેમણે ઉમેર્યુ હતું. મુખ્યમંત્રીએ શ્રમ અને રોજગાર વિભાગ હસ્તકના વિવિધ ખાતાના સંવર્ગોમાં વર્ગ-૧ થી વર્ગ-૩ની જગ્યાઓ પર નિમણૂંક પામેલા ૩૪૪ યુવા ઉમેદવારોને ગાંધીનગરમાં નિમણૂંક પત્રો એનાયત કર્યા હતા. વિજય રૂપાણીએ આ નવયુવા ઉમેદવારોને ટીમ ગુજરાતમાં આવકારતાં રાજ્ય સરકાર વતી અભિનંદન પાઠવ્યા હતા. તેમણે આ નવનિયુકત ઉમેદવારોને સંવેદનાસ્પર્શી અને અરજદાર પ્રત્યે માનવીય અભિગમ દાખવી ઇમાનદારીથી ફરજનિષ્ઠા નિભાવવા પ્રેરણા આપી હતી. મુખ્યમંત્રીએ કહ્યું કે, ભૂતકાળમાં સરકારી સેવામાં ભરતી-બઢતી-બદલીમાં જે ગેર તૌરતરીકા થતા, મા-બાપ દેવું કરી-દાગીના વેચી પોતાના સંતાનને સરકારી નોકરી અપાવવા લાંચ આપતા તે બધું જ આ સરકારે પારદર્શી ભરતી અને જીપીએસસી સહિતની સ્પર્ધાત્મક પરિક્ષાઓમાં જડબેસલાક વ્યવસ્થાથી એક જ ઝાટકે દૂર કરી દીધું છે. હવે માત્ર ગુણવત્તા-ક્ષમતા અને મેરિટના આધારે જ નોકરી મળે છે કોઇને પાઇ-પૈસો આપવાની કે કોઇનો ઝભો પકડવાની નોબત આવતી નથી એમ તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ શ્રમ-રોજગાર વિભાગનો સંબંધ, કામદારો અને ખાસ કરીને અસંગઠિત ક્ષેત્રોના કામદારો સાથે છે ત્યારે નવનિયુકત યુવાશકિત તેમનું રક્ષણ કરે તેવી હદયસ્પર્શી અપીલ પણ કરી હતી. મુખ્યમંત્રીએ રાજ્યમાં મોટા ઊદ્યોગોમાં સ્થાનિક યુવાનોને રોજગારી મળે તે માટે રાજ્ય સરકાર પ્રતિબધ્ધ છે તેમ જણાવતાં જરૂર જણાયે આ માટે કડક પગલાં લેવાનો પણ નિર્દેશ આપ્યો હતો. વિજય રૂપાણીએ પોતે રાજ્ય સરકારમાં મંત્રી પદનો પહેલો કાર્યભાર શ્રમ-રોજગારનો સંભાળેલો તેના સ્મરણો તાજાં કરતાં કહ્યું કે, આ એવું સેવા ક્ષેત્ર છે જેમાં ઇમાનદારી-નિષ્ઠાથી કામ કરીને કાર્યસંતોષ અને આત્મસંતોષ બેય મેળવી શકાય છે. શ્રમ અને રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોરે નવનિયુક્તિ પામનાર ૩૪૪ યુવાનોને રાજ્ય સરકાર વતી અભિનંદન પાઠવતાં કહ્યું કે, સરકારી નોકરીના માધ્યમ દ્વારા આપને સેવા કરવાની તક મળી છે ત્યારે શ્રેષ્ઠ કામગીરી કરીને ગુજરાતને સર્વોચ્ચ સ્તરે પહોંચાડશો. મંત્રી ઠાકોરે ઉમેર્યું કે, રાજ્ય સરકારે છેલ્લા ઘણાં વર્ષોથી સરકારી સેવાઓમાં નિયુક્તિ માટેનું અભિયાન ઉપાડ્યું છે. જે અંતર્ગત છેલ્લા એક વર્ષમાં આઇટીઆઇમાં ૧,૦૦૦ થી વધુ ઇન્સ્ટ્રકટરોની ભરતી કરી છે. સાથે સાથે છેલ્લા પાંચ વર્ષમાં શ્રમ અને રોજગાર વિભાગમાં ૩,૪૦૦ થી વધુ યુવાનોને રોજગારી પૂરી પાડી છે અને આગામી સમયમાં ૩,૦૦૦ થી વધુ જગ્યાઓ પર સીધી ભરતીથી નિમણૂકો આપવાનું રાજ્ય સરકારનું આયોજન છે.

(10:08 pm IST)
  • જૂનાગઢની GMERS મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ મોડી રાત્રે હડતાળ પર ઉતર્યા :વોશરૂમ, લાઈબ્રેરી અને એન્ટ્રી દરવાજાના પ્રશ્નોની વારંવાર રજૂઆત છતાં ઉકેલ ન આવતાં તમામ વિદ્યાર્થીઓ રાત્રિના સમયે હોસ્ટેલમાંથી બહાર નીકળી ગયા: તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા આ મેડિકલ કોલેજનું ઉદ્ધાટન કરાયું હતું access_time 1:07 am IST

  • ધંધુકા રાણપુર રોડ ઉપર જીઆઈડીસી નજીક રોડ સાઈડના ઝાડ સાથે ઈનોવા કાર અથડાઈ: કાર ચાલક તથા તેની બાજુમાં બેઠેલા શખ્સને ગંભીર ઈજા થતાં તેમના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નિપજયા access_time 12:41 am IST

  • અમદાવાદમાં વેપારીનું અપહરણ- લૂંટ : ૧૦ લાખની ખંડણીની માંગ? : અમદાવાદના વસ્ત્રાપુરમાં વેપારીનું અપહરણ કરી બે શખ્સોએ લૂંટ ચલાવી હોવાનું જાણવા મળે છે : વેપારીએ મહિલાને લીફટ આપ્યા બાદ આ ઘટના બની હોવાનું બિનસત્તાવાર જાણવા મળે છે : અપહરણકારોએ રિવોલ્વરની અણીએ લૂંટ ચલાવી વેપારીને પણ ઉપાડી ગયા : ૧૦ લાખની ખંડણીની માંગ કરી છે. access_time 3:44 pm IST