Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

નડિયાદ : નાગરિકો માટે ઓનલાઈન પેમેન્ટ ગેટવે

ડિજીટલ બેન્કીંગને પ્રમોટ કરવા માટેનું સહેલુ પગલું: નડિયાદનાં નિવાસીઓ ગમે ત્યાંથી ગમે તે સમયે પ્રોપર્ટી ટેક્સની ઓનલાઈન ચુકવણી કરી શકશે : લોકોને રાહત

અમદાવાદ, તા.૧૧ : એચડીએફસી બેન્ક દ્વારા નડિયાદ નગરપાલિકા સાથે શહેરનાં નાગરિકો માટે ઓનલાઈન પેમેન્ટ ગેટ વેની સ્થાપના કરવામાં આવી છે. એચડીએફસી બેન્કના ડિજીટલ બેન્કીંગને પ્રમોટ કરવા માટેના આ સરળ, ઝડપી અને સહેલા પગલાની અનોખી પહેલને પગલે હવે નડિયાદનાં નિવાસીઓ ગમે તે સ્થળેથી તેમના ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ કે નેટબેન્કીંગ સુવિધા મારફતે પ્રોપર્ટી ટેક્સની ચુકવણી ઝડપી અને સુગમતાથી કરી શકશે એમ એચડીએફસી બેન્કના ગુજરાતના ઝોનલ હેડ સુશ્રી પર્લ સાબાવાલાએ જણાવ્યું હતું. હાલમાં નડિયાદનાં નિવાસીઓ તેમના પ્રોપર્ટી ટેક્સની ચુકવણી ભૌતિક સ્વરૂપે નગરપાલિકાની ઓફિસે ડિમાન્ડ ડ્રાફ્ટ, ચેક અથવા કેશ મારફતે કરતાં હોય છે. જે ખાસ્સો એવો સમય લઈ લેતી પ્રક્રિયા છે. જો કે, એચડીએફસી બેંક દ્વારા શરૂ કરાયેલ આ ઓનલાઇન પેમેન્ટ ગેટ વેથી સ્થાનિક નાગરિકોનો સમય બચી જશે અને લાઈનમાં ઉભા રહેવાની ઝંઝટમાંથી છૂટકારો મળશે. તેનાથી શહેરની બહાર વસતાં લોકોને પણ સરળતા રહેશે. નડિયાદ નગરપાલિકાની વેબસાઈટ પર ક્લીક કરવાથી પ્રોપર્ટી ટેક્સની ચુકવણી થઈ શકશે.  એચડીએફસી બેન્કના ગુજરાતના ઝોનલ હેડ સુશ્રી પર્લ સાબાવાલાએ જણાવ્યું હતું કે,  એચડીએફસી બેન્કમાં અમે આ ભાગીદાર તરીકે પસંદગી પામતા આનંદ અનુભવીએ છીએ. નડિયાદ નગરપાલિકાનું પ્રોપર્ટી ટેક્સ અંગેની પેમેન્ટ મિકેનિઝમમાં આ ક્રાંતિકારી પગલું છે. અમે અમારી વૈવિધ્યપૂર્ણ ડિજીટલ ઓફરિંગ્સ સાથે ઝડપી, વ્યસ્તતાપૂર્ણ જીવન વચ્ચે સુગમતાપૂર્ણ જરૂરિયાતો સાથે બેન્કીંગ કરવા પ્રતિબધ્ધ છીએ. આ પ્રસંગે નડિયાદ નગરપાલિકાનાં ચીફ ઓફિસર એસ કે. ગરવાલે જણાવ્યું કે, અમને એચડીએફસી બેન્ક સાથે ભાગીદારી કરતાં ખુશીની લાગણી થાય છે. અમે ડિજીટલ પેમેન્ટ સોલ્યુશન્સ દ્વારા ટેક્સ કલેકશન કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. અમને વિશ્વાસ છે કે આ પગલાંથી નાગરિકોને ઘરઆંગણે ટેક્સ ચુકવણું કરવામાં સરળતા રહેશે.આવી જ રીતે એચડીએફસી બેન્કે રાજ્યમાં ટોચની શૈક્ષણિક અને ધાર્મિક સંસ્થાઓ, નગરપાલિકાઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનો સાથે સામાન્ય જનતા માટે ડિજીટલ પેમેન્ટસ સુલભ બનાવવા જોડાણો કર્યા છે. વધારામાં ડિજીટલ પગલાઓ ઉપરાંત એચડીએફસી બેન્ક તેની ૩૯૪ બ્રાન્ચો અને ૧૧૦૦ એટીએમનાં નેટવર્ક દ્વારા જનતા સુધી પહોંચી છે.

 

(9:28 am IST)