Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

ગાંધીવાદી મૂલ્યને જાળવવા માટે હાર્દિકનું જીવન જરૂરી

ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી મળવા પહોંચ્યા : પાટીદાર સમાજના આગેવાનો પણ હાર્દિકને પારણાં કરી લેવા સમજાવવા પહોંચ્યા : હાર્દિક હજુ પણ લડાયક મૂડમાં

અમદાવાદ, તા.૧૧ : પાસના કન્વીનર  હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસનો આજે ૧૮મો દિવસ હતો ત્યારે ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવતે તેની મુલાકાત લીધી હતી અને તેના સ્વાસ્થ્યને લઇ ભારે ચિંતા વ્યકત કરી હતી. આ પ્રસંગે હરીશ રાવતે જણાવ્યું હતું કે, લોકતંત્રની રક્ષા માટે હાર્દિકનું જીવન જરૂરી છે. હાર્દિકની માંગણીની રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને ખબર છે. ગાંધીવાદ અને સ્વતંત્રતાના મૂલ્યો માટે જે લડે છે તેના માટે હાર્દિકની જરૂરિયાત છે. પાટીદાર જન આંદોલનને કચડવા માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. હાર્દિકનું જીવન દેશ માટે મહત્વનું છે. દરમ્યાન હવે ભારતીય બંધારણના ઘડવેૈયા ડો. બાબા સાહેબ આંબેડકરના પૌત્ર પ્રકાશ આંબેડકર પણ હાર્દિકની મુલાકાત લે તેવી શક્યતા પ્રવર્તી રહી છે. બીજીબાજુ, આજે બપોર બાદ હાર્દિકને મનાવવા અને તેના ઉપવાસ સમેટી પારણાં કરી લેવા સમજાવવા માટે પાટીદાર સમાજના આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં હાર્દિકની ઉપવાસ છાવણીએ પહોંચ્યા હતા અને હાર્દિકને ભારે સમજાવટથી મનાવ્યો હતો. પાટીદાર સમાજના આગેવાનોએ હાર્દિકની તબિયતને લઇ ભારે ચિંતા વ્યકત કરી હતી, જો કે, હાર્દિકે આ મામલે વિચાર કરી જવાબ આપશે તેવો પ્રતિસાદ આપ્યો હતો. હાર્દિકના આમરણાંત ઉપવાસ આઁદોલનના આજે ૧૮મા દિવસે ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવતે હાર્દિકની મુલાકાત લીધા બાદ જણાવ્યું હતું કે,  પાટીદાર જન આંદોલનને કચડવા માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. હાર્દિકનું જીવન દેશ માટે મહત્વનું છે. હાર્દિકને મારી અપીલ છે તેનું જીવન પાટીદાર સમુદાય અને લોકો માટે જરૂરી છે. ગુજરાતથી લઇ હરિયાણા મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં આંદોલન ચાલી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટીએ ખેડૂતો માટે દેવા માફીનું એલાન કર્યું છે. આ વિસ્તારને પોલીસ છાવણી બનાવી નાખી છે, એવું લાગે છે કે દેશનો સૌથી મોટો દુશ્મન અહીં રહે છે. અનશન પર બેસવાની ના ન પાડી શકાય, લોકશાહીનું હનન છે આ વાસ્તવમાં નજર કેદ જેવી સ્થિતિ છે, આ ગુજરાતીઓનું પણ અપમાન છે.  હાર્દિકની આ લડાઇમાં દરેક રાજનીતિક પક્ષે આગળ આવવું જોઇએ. રાજય સરકાર ઈચ્છે છે કે હાર્દિકની કિડની અને લીવર ખરાબ થાય. ગુજરાતના દરેક સમાજ અને ધાર્મિક સંસ્થાઓ આગળ આવે અને હાર્દિકનું જીવન બચાવે. મારું મન કહે છે કંઈક સારું થશે. હાર્દિકના મનમાં દુઃખ છે કે તેને સાર્વજનિક ઉપવાસની મંજૂરી ના મળી. પોતાને દંડ ના દે હાર્દિક એવી મારી લાગણી છે. મારી ભાવનાઓને હાર્દિક સમજ્યા હશે એવી મને આશા છે.  દરમ્યાન આજે હાર્દિક પટેલને મનાવવા અને પારણાં કરવા સમજાવવા માટે પાટીદાર સમાજ અને સંસ્થાઓની એક ગુપ્ત બેઠક યોજાઈ હતી. જેમાં પાટીદાર સમાજના આગેવાનોએ હાર્દિકના અનશનને લઈ ગહન ચર્ચા કરી હતી.

બેઠક બાદ બપોરે  ઉમિયાધામના સહમંત્રી રમેશ દુધવાલા સહિતના આગેવાનો હાર્દિક પટેલની ઉપવાસી છાવણી પહોંચ્યા હતા અને હાર્દિકને પારણાં કરાવવા માટે પ્રયાસો હાથ ધર્યા હતા. સાથે જ સમાજના મોભીઓ અને આગેવાનો ઉપવાસી છાવણી પહોંચીને હાર્દિકને પારણાં કરવા માટે સમજાવ્યો હતો. જો કે, હાર્દિકે પાટીદાર આગેવાનોને આ મામલે વિચાર કરીને જવાબ આપીશ તેમ જણાવ્યું હતું. પાટીદાર સંસ્થાઓના અગ્રણીઓએ હાર્દિકની તબિયત અને સ્વાસ્થ્યને લઇ ભારે ચિંતા વ્યકત કરી હતી અને તેને તાત્કાલિક પારણાં કરી લેવા સમજાવ્યો હતો. દરમ્યાન હાર્દિકની માંગણીઓને લઇ સીધી રીતે નહી માનતી સરકારને અન્ય રીતે લડવા માટે પારણાં કરી લેવા સમજાવવા આજે કોંગ્રેસના પાટીદાર ધારાસભ્યો પણ ઉપવાસ છાવણી પહોંચ્યા હતા. કોંગ્રેસના ધારાસભ્યો લલિત કગથરા, લલિત વસોયા, કિરીટ પટેલ, આશા પટેલ અને મહેશ પટેલ સહિતના આગેવાનો હાર્દિકને મળી પારણાં કરી લડતનો અન્ય વિકલ્પ કે માર્ગ અપનાવવા અનુરોધ કર્યો હતો. જો કે, હાર્દિક પોતાના ઉપવાસ પર કાયમ રહ્યો હતો.

(7:34 pm IST)
  • જૂનાગઢની GMERS મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ મોડી રાત્રે હડતાળ પર ઉતર્યા :વોશરૂમ, લાઈબ્રેરી અને એન્ટ્રી દરવાજાના પ્રશ્નોની વારંવાર રજૂઆત છતાં ઉકેલ ન આવતાં તમામ વિદ્યાર્થીઓ રાત્રિના સમયે હોસ્ટેલમાંથી બહાર નીકળી ગયા: તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા આ મેડિકલ કોલેજનું ઉદ્ધાટન કરાયું હતું access_time 1:07 am IST

  • નરેન્દ્રભાઈ મોદી તેમનો ૬૮મો જન્મદિવસ વારાણસીમાં ઉજવશે access_time 4:05 pm IST

  • નવી એપલ વોચ-4 લોન્ચ:ઇસીજી ,ઇલેક્ટ્રો કાર્ડિયોગ્રામ જેવા અદભૂત નવા ફીચર્સ:૬૪ બીટ ડ્યુઅલ કોર પ્રોસેસર:એક્સીલેરોમીટર,જાયરોસ્કોપ જેવા નવા ફીચર્સ લોન્ચિંગ ઇવેન્ટ ટ્વિટર ઉપર લાઈવ access_time 12:04 am IST