Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

કડીથી 40 કિમી દૂર જાહેર માર્ગ પર 50થી વધુ રખડતા ઢોરનો અડિંગો : તંત્રની નિષ્ક્રિયતાનો બોલતો પુરાવો

તંત્ર દ્વારા તેને હટાવવા કોઈ કામગીરી કરાતી નથી. તંત્રની આ પ્રકારની નિષ્ક્રિયતાના પાપે નિર્દોષ નાગરિકો દંડાઈ રહ્યા છે અને અકસ્માતનો ભોગ બને છે

મહેસાણાના કડીમાં તિરંગા યાત્રા દરમિયાન પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલ  રખડતા પશુની હડફેટે ઈજાગ્રસ્ત બન્યા. જ્યારે બીજી તરફ કડીથી માત્ર 40 કિલોમીટર દૂર મહેસાણા શહેરના જાહેર માર્ગ પર પશુઓનો મોટો જમાવડો જોવા મળ્યો. જાહેર માર્ગ પર એક-બે કે પાંચ-દસ નહીં પરંતુ 50 જેટલા પશુઓ એકસાથે રસ્તા પર અડિંગો જમાવી ઉભેલા જોવા મળ્યા. આટલી મોટી સંખ્યામાં પશુઓની વચ્ચે વાહનચાલકો અને રાહદારીઓ પણ ભયના ઓથાર તળે રસ્તા પરથી પસાર થવા મજબુર બન્યા છે પરંતુ તંત્રના પેટનું જાણે પાણી હલતુ નથી. રખડતા ઢોર  મુદ્દે તંત્રની નિષ્ક્રિયતાનો આ બોલતો પુરાવો છે.

 એક તરફ કડીમાં ત્રિરંગા યાત્રા દરમિયાન રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રીને ગાયે અડફેટે લીધા અને નીતિન પટેલ ગબડી પડ્યા હતા જેમા તેમને પગમાં ઈજા પહોંચી હતી. હવે જ્યાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી પણ રખડતા ઢોરની અડફેટે ઈજાગ્રસ્ત થતા હોય, ત્યાં સામાન્ય નાગરિકની તો શું હાલત થતી હશે તે તો તે જ જાણે. આટલા અકસ્માતના બનાવો છતા તંત્રની આંખ ખૂલતી નથી અને રખડતા ઢોર પર લગામ લગાવાતી નથી ના તો એ ઢોરોના માલિકો સામે કોઈ દંડનિય પગલા લેવામાં આવે છે. કડીમાં નીતિન પટેલ સાથે જે દુર્ઘટના ઘટી એવા બનાવો બને ત્યારે તંત્ર નામ માત્રની કામગીરી કરી સંતોષ માની લે છે. પરંતુ તંત્રની આ નિષ્ક્રીયતાના પાપે રોજ નિર્દોષ નાગરિકો વગર વાંકે દંડાઈ રહ્યા છે અને અકસ્માતનો ભોગ બની રહ્યા છે.

.

(9:53 pm IST)