Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

ગાંધીનગર નજીક મોટી આદરજ ગામે 16 વર્ષ અગાઉ વહેંચી દીધેલ જમીન પર ખેડૂતોએ કબ્જો કરી લેતા પોલીસ ફરિયાદ

ગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક આવેલા મોટી આદરજ ગામમાં ૧૬ વર્ષ અગાઉ ખેડૂતોએ વેચી દીધેલી જમીન હવે વધુ ભાવ લેવા માટે જમીન ઉપર કબ્જો કરી લીધો છે અને ખરીદનાર ખેડૂતને ધાક ધમકી આપવામાં આવી રહી છે જેથી આ મામલે ગાંધીનગર કલેક્ટર કચેરીમાં ફરિયાદ કર્યા બાદ પેથાપુર પોલીસ મથકમાં આઠ વ્યક્તિઓ સામે લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

ગાંધીનગર જિલ્લામાં જમીન સંબંધીત છેતરપીંડીની ઘટનાઓ વધતી રહે છે પરંતુ ઘણા કિસ્સામાં ખેડૂતો દ્વારા પણ છેતરપીંડી કરવામાં આવતી હોવાની ફરિયાદો જોવામાં આવી રહી છે ત્યારે ગાંધીનગર નજીક આવેલા મોટી આદરજમાં ૧૬ વર્ષ અગાઉ વેચી દિધેલી જમીન ઉપર ખેડૂતોએ કબ્જે જમાવ્યાની ફરિયાદ ઉઠી છે આ મામલે અમદાવાદના સત્યાગ્રહ છાવણી ખાતે રહેતા અજય કલ્યાણભાઇ પટેલે ફરિયાદ નોંધાવી હતી કે, તેમના પિતાએ વર્ષ ૨૦૧૬માં મોટી આદરજ ગામે જમીન ખરીદી હતી. સર્વે નં. ૨૦૭૬ જુનો સર્વે નં. ૧૦૩૧ની આ જમીન શારદાબેન બબાજી ઠાકોર, બાજાજી બબાજી ઠાકોર, બચુજી નાથાજી ઠાકોર જોડેથી વેચાણ રાખવામાં આવી હતી ત્યાર બાદ તેની નોંધ પણ પડી હતી અને આ જમીનમાં અજયભાઇ તથા તેમની માતાનું નામ પણ દાખલ થયું હતું જો કે, ગત એપ્રિલ મહિનામાં અજયભાઇ જમીન ઉપર ગયા ત્યારે આ ખેડૂતો તથા તેમના વારસદારોએ તેમની જમીન હોવાનું બોર્ડ લગાવ્યું હતું અને વાવનાર વ્યક્તિ પાસે આ જમીન પેટે વધુ રૃપિયાની માંગણી પણ કરાવવામાં આવી હતી. જેના પગલે અજયભાઇએ ગાંધીનગર કલેક્ટર કચેરીમાં ફરિયાદ કરતા આખરે પેથાપુર પોલીસ મથકમાં મોટી આદરજના શારદાબેન બબાજી ઠાકોર, બચૂજી નાથાજી ઠાકોર, લક્ષમણજી ઉર્ફે બલાજી બચૂજી ઠાકોર, ચંદુજી સોમાજી ઠાકોર, માંધાજી રામાજી ઠાકોર કંથારપુરાના મંજુલાબેન બબાજી ઠાકોર હાલીસાના વસીબેન નાથાજી ઠાકોર અને પ્રાંતિજ બોભા ગામના ભરતસિંહ સરદારસિંહ રાઠોડ સામે લેન્ડગ્રેબીંગ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 

(4:27 pm IST)