Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

નર્મદા ડેમની જળ સપાટી 134 મીટરે પહોંચતા 5 ગેટ ખોલી 10 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં ફરી એકવાર પાણીની આવક વધવા પામી છે.મધ્યપ્રદેશના ઉપરવાસમાં વરસાદ પડતાં મધ્ય પ્રદેશના ઇન્દિરા સાગરના 18 ગેટ ખોલી બે લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું અને ઓમકારેશ્વર સાથે બંને  ડેમોના પાવર સ્ટેશન ચાલુ કરાતા આ પાવર હાઉસમાંથી ડિસ્ચાર્જ પાણી મળી કુલ 2.50 લાખ ક્યુસે પાણી છોડવામાં આવી રહ્યું છે. જેથી નર્મદા ડેમમાં 2.29 લાખ ક્યુસેક પાણીની આવક થઈ છે. જેને કારણે નર્મદા ડેમની સપાટીમાં દર કલાકે 15 થી 20 સેમી નો વધારો થઈ રહ્યો છે. હાલ ડેમની સપાટી 134 મીટરે પહોંચી છે. જે મહત્તમ સપાટી 138.68 મીટર થી 4 મીટર દૂર રહી છે. અને આજના રુલ લેવાને નર્મદા બંધની જળ સપાટી પાર કરી ગઇ હોય જેથી બપોરે 12 વાગે નર્મદા નિગમ દ્વારા ડેમના 5 રેડિયલ ગેટ 1 મીટર ઉંચા કરીને પ્રથમ તબક્કામાં 10 હજાર  ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યુ હતું. ઉપરવાસમાં સતત વરસાદને કારણે પાણીની આવક ચાલુ રહેશે નર્મદા ડેમ જલ્દી તેની મહત્તમ સપાટી પર પહોંચી શકે તેમ છે. એટલે હાલ નર્મદા બંધ હાઈ એલર્ટ પર મુકાયો છે.અને  હજુ જો પાણીની આવક યથાવત રહશે.તો વધુ પાણી છોડવામાં આવશે.
 જો 5 ગેટ ખોલવામાં આવે તો વધુ 1.45 લાખ ક્યુસેક પાણીની આવક વધશે એટલે નર્મદા નદીમાં 2 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવનાર હોય નર્મદા નિગમ દ્વારા નર્મદા, ભરૂચ અને વડોદરા જિલ્લા કલેક્ટર ને નર્મદા નદી સાથે સંકળાયેલ નદી કાંઠાના ગામોને એલર્ટ કરાયા છે.

(10:39 pm IST)