Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

હિંમતનનગર, વિજયનગર, ઈડર અને ભિલોડામાં મોડી સાંજે ધોધમાર વરસાદ

વિજયનગરમાં સાડા ત્રણ ઈંચ વરસાદ: હિંમતનગરમાં અને વડાલીમાં અઢી-અઢી ઈંચ પોશીના તાલુકામાં એક ઇંચ વરસાદ પડ્યો

સાબરકાંઠા જિલ્લામાં શુક્રવારે સવારથી જ દિવસભર વરસાદી માહોલ રહ્યો છે. સાબરકાંઠામાં ઈડર, વિજયનગર અને હિંમતનગર સહિતના વિસ્તારોમાં સારો વરસાદ વરસ્યો છે. સાંજે હિંમતનગરમાં બે કલાકમાં બે ઈંચ વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદવરસવાને લઈ હિંમતનગર શહેર અને તેની આસપાસના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. જ્યારે અરવલ્લી જિલ્લામાં ભિલોડમાં સાંજે બે ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જોકે અરવલ્લીમાં દિવસભર અનેક સ્થળો પર ઝરમર વરસાદ વરસ્યો હતો.

જિલ્લામાં આજે વાતાવરણ વરસાદી રહ્યુ હતુ. જિલ્લાના ખેડબ્રહ્મા અને વડાલીને બાદ કરતા દિવસભર મોટા ભાગના તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધારે પ્રમાણમાં વરસાદ વિજયનગર તાલુકામાં વરસ્યો હતો. જ્યાં સવારે 06.00 કલાકથી સાંજે આઠેક વાગ્યા સુધીમાં સાડા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હોવાનુ નોંધાયુ હતુ. જ્યારે હિંમતનગરમાં અને વડાલીમાં અઢી-અઢી ઈંચ વરસાદ ખાબક્યો હતો. પોશીના તાલુકામાં એક ઇંચ વરસાદ વરસ્યો હતો. તલોદ અને પ્રાંતિજ તાલુકામાં અડધાથી પોણા ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

(9:14 pm IST)