Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

સૌરાષ્ટ્રથી દક્ષિણ ગુજરાતને જોડતો હાઇવે 1700 કરોડનાં ખર્ચે સિક્સ-લેન બનશે

પ્રથમ તબક્કામાં બગોદરાથી તારાપુર અને બાદમાં તારાપુરથી વાસદ સુધીનો રોડ છ માર્ગીય બનાવાશે

અમદાવાદ: સૌરાષ્ટ્રથી દક્ષિણ ગુજરાતને જોડતો હાઇવે 1700 કરોડના ખર્ચે સિક્સ લેન બનશે રાજ્યના માર્ગ અને મકાન વિભાગ તથા  રાજ્ય માર્ગ વિકાસ નિગમ દ્વારા બગોદરા-તારાપુર-વાસદના છ માર્ગિય રસ્તાનું કામ ચાલુ છે  સાબરમતી નદી પર બગોદરા-તારાપુર અને વાસદને જોડતા ગલીયાણા ખાતે  ૪૮ કરોડના ખર્ચે તૈયાર થયેલાં પુલનું નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ  પટેલે લોકાર્પણ કર્યું હતું. તેમની સાથે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ઉપસ્થિત રહ્યા હતા.

 

નીતિન પટેલે કહ્યું કે, લોકોની રજૂઆત હતી કે, દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્રની મુસાફરી બહુ લાંબી થઇ પડે છે ત્યારે બગોદરા-તારાપુરથી વાસદના માર્ગને છ માર્ગિય બનાવી ઝડપી મુસાફરી માટેનાં માર્ગ મોકળા કરી દેવામાં આવ્યા છે. આ છ માર્ગિય (સિક્સ લેન) સુઆયોજિત આંતરમાળખાકીય પરિવહનને કારણે ઇંધણ, સમયમાં ઘટાડો થશે. સાથે સાથે અકસ્માતોની સંભાવના પણ ઘટશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આવનારા બે વર્ષના ટૂંકાગાળામાં બે તબક્કામાં છ માર્ગિય રસ્તાઓનું કામ પૂર્ણ કરવામાં આવશે. જેમાં બગોદરાથી તારાપુરનો ૫૩.૮૦૦ કિ.મી.નો રસ્તો અંદાજિત રૂા. 649 કરોડના ખર્ચે તૈયાર થશે. જ્યારે બીજા તબક્કામાં તારાપુરથી વાસદ સુધીનો 48.10 કિ.મી.ના છ માર્ગિય રસ્તાનું કામ અંદાજે રૂા. 1005 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવશે. જેનાથી પરિવહન વ્યવસ્થા વધુ સરળ બની રહેશે જેનો અંદાજે રૂા. 1700 કરોડનો ખર્ચ થશે,

(11:07 pm IST)