Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

સુરત અસામાજિકો બેખોફ :અમરોલીમાં હનીટ્રેપની ફરિયાદ કરનાર વેપારીને જાહેરમાં ઢોર માર માર્યો

ભોગ બનનાર વેપારીએ સમગ્ર મામલે પોલીસ કમિશ્નર કચેરીનું શરણું લીધું

સુરત શહેરમાં અસામાજિક તત્વો બેખોફ બન્યા છે અમરોલી વિસ્તારમાં હની ટ્રેપમાં ફરિયાદ કરનારા એક યુવાનને જાહેરમાં 8 થી 10 શખ્સોએ ઢોર માર માર્યો હતો આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.  ભોગ બનનાર વેપારીએ સમગ્ર મામલે પોલીસ કમિશ્નર કચેરીનું શરણું લીધું હતું.

અમરોલી વિસ્તારમાં અગાઉ મહિલા વકીલ, યુવતીઓ સહિતની ટોળકીઓ દ્વારા યુવકોને ફસાવીને રૂપિયા પડાવાતા હતાં. આ કેસમાં ફરિયાદી કિશોર વિનુ ઈસામલિયા દ્વારા આરોપી કિશોર હિંમત ઈસામલીયા સહિતના સામે ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી. આ ઘટનાને લઈને સોમવારે રાત્રે કિશોર વિનુ ઈસામલિયાને તેના ઘર નજીક જ અમરોલી સાયણ રોડ લોયાધામ સોસાયટીની સામે માર મારવામાં આવ્યો હતો.

 સ્થાનિકોએ કિશોર વિનુને બચાવી લીધો હતો. બાદમાં આ વીડિયો સ્થાનિકોએ ઉતાર્યો હોવાથી સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ સમગ્ર કેસમાં અમરોલી પોલીસને કોઈ જ જાણ ન હોવાનું જાણવા મળ્યું હતું. બીજી તરફ ફરિયાદીએ સમગ્ર મામલે પોલીસ કમિશ્રર કચેરીનું શરણું લીધું હતું અને ન્યાયની માંગ કરી હતી. ફરિયાદીએ જણાવ્યું હતું કે મહિલાએ હનીટ્રેપમાં ફસાવી 4 લાખ જેટલા રૂપિયા પણ પડાવી લીધા હતા.

 આ ઘટનાને લઈને સુરતના વરાછા પોલીસ મથકમાં અગાઉ ફરિયાદ નોંધાઈ હતી. જેમાં પોલીસે અગાઉ આરોપી કિશોર ઇસમલીયાની ધરપકડક કરી હતી. જયારે મહિલા વકીલ આગોતરા લઈને હાજર થઇ હતી. પરંતુ આ મામલે ફરી એક વખત મારામારી થતા મામલો બીચકયો હતો અને ફરિયાદીએ સુરત પોલીસ કમિશ્નર કચેરીનું શરણું લીધું હતું અને સમગ્ર મામલે ન્યાયની માંગ કરી હતી.

(11:35 pm IST)