Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

નડિયાદના સોડપુરમાં નજીવી બાબતે બે પાડોશીઓ બાખડ્યા: મહિલાનો હાથ કાપી નાખતા અરેરાટી

નડિયાદ: તાલુકાના સોડપુર તાબે મોટાબોરીયા ગામમાં રહેતાં બે પાડોશીઓ વચ્ચે નજીવી બાબતે ઝઘડો થયો હતો. ખેતરની પાડ નજીક બાંધેલી ભેંસો છોડી લેવા મુદ્દે થયેલ ઝઘડો ઉગ્ર બનતાં ઉશ્કેરાયેલા બે ભાઈઓએ ભેગા મળી ભેંસોના માલિક પર ધારીયા વડે હુમલો કરવા જતાં પુત્રને બચાવવા માતા ઝઘડામાં વચ્ચે પડતાં ધારીયાનો ઝટકો વાગવાથી તે ગંભીર ઈજાગ્રસ્ત બની હતી. આ બનાવ અંગે ચકલાસી પોલીસે બે ભાઈઓ વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે મળતી માહિતી મુજબ નડિયાદ તાલુકાના સોડપુર તાબે મોટા બોરીયા ગામ નજીક ખેતરમાં રહેતાં દિપસિંહ નટવરસિંહ પરમારે ગત શનિવારના રોજ પોતાની ભેંસો ખેતર નજીક રોડ પર બાંધી હતી. આ ભેંસો પાડોશમાં રહેતાં અનોપસિંહ નરેન્દ્રસિંહ ચૌહાણ અને કરણસિંહ નરેન્દ્રસિંહ ચૌહાણના ખેતરની કરેલ વાડમાં છીડા પાડતી હોવાથી તેમણે ગમેતેમ ગાળો બોલી ભેંસો ત્યાંથી છોડવા માટે દિપસિંહને જણાવ્યું હતું. જેથી દિપસિંહે ગમેતેમ ગાળો બોલવાની ના પાડી પોતાની ભેંસો છોડવા માટે ગયાં હતાં. અને ભેંસોએ તમારા વાડામાં કોઈ છીંડા પાડેલ નથી તેમ જણાવ્યું હતું. જેથી ઉશ્કેરાયેલા કરણસિંહ નરેન્દ્રસિંહ ચૌહાણે પાછળથી આવી દિપસિંહ પરમારને પકડી લીધો હતો. અને અમારી સામે કેમ બોલે છે તેમ કહી અપશબ્દો બોલવા લાગ્યો હતો. તે વખતે અનોપસિંહ ધારીયુ લઈ દિપસિંહ પરમારને મારવા દોડી આવ્યાં હતાં. ઝઘડો ઉગ્ર બનતાં નજીકમાં હાજર દિપસિંહના માતા રમીલાબેન પોતાના પુત્રને છોડાવવા વચ્ચે પડ્યાં હતાં. બીજી બાજુ ઉશ્કેરાયેલા અનોપસિંહે ધારીયા વડે હુમલો કરતાં છોડાવવા વચ્ચે પડેલા દિપસિંહની માતા રમીલાબેનને ધારીયાનો ઝટકો વાગતાં તેઓ લોહીલુહાણ થઈ ગયાં હતાં. અને તેમની હથેડી કાંડાથી કપાઈ જઈ ચામડીના ટેકે લટકી પડી હતી. ગંભીર રીતે ઘવાયેલા રમીલાબેનને સારવાર માટે તાત્કાલિક સૌપ્રથમ નડિયાદ સિવિલ અને ત્યારબાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતા. જ્યાં તેઓનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. 

(6:11 pm IST)