Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

વ્યકિતગત આક્ષેપોવાળી નનામી અરજી પર પોલીસ તપાસ કરતી નથી છતાં દર મહિને સેંકડો અરજીઓ આવે છે

રાજયના પોલીસ વડાએ આવી અરજીઓ પર તપાસ નહીં કરવા આદેશ કર્યો હતો : મોટાભાગના લોકોને તેની જાણ જ નથી

અમદાવાદ, તા. ૧૩ : પોલીસને કોઇ ગુપ્ત માહિતી અથવા કોઇની વિરૂદ્ધ વ્યકિતગત ફરીયાદ કરવી હોય તો લોકો પોલીસ સ્ટેશનમાં નામ વગરની નનામી અરજી કરે છે. જેના આધારે પોલીસ તપાસ કરતી હતી. જોકે હવે કોઇપણ પોલીસ સ્ટેશનમાં નામ-ઠામ વગરની એટલે કે નનામી અરજીની તપાસ કરવામાં રોક લગાવી દેવાઇ છે. શહેરના તમામ પોલીસ સ્ટેશનોમાં આવી નનામી અરજી પર તપાસ નહિ કરી તેનો નિકાલ કરી દેવાનું શરૂ કર્યું છે.

જો કે મોટાભાગના લોકોને આ વાતની ખબર ન હોઇ હજુ પણ નનામી અરજી કરે છે. શહેરના પોલીસ સ્ટેશનો અને વિવિધ બ્રાન્ચોમાં હજુ પણ દર મહિને આવી સંખ્યાબંધ નામ વિનાની અરજીઓ આવે છે.

બાતમીદારને કોઇ ગુપ્ત માહિતી આપવી હોય કે પછી કોઇપણ વ્યકિતઓ પર ગમે તેવા આક્ષેપો કરીને તેને હેરાન પરેશાન કરવી હોય તે માટે પોલીસ સ્ટેશનમાં નનામી અરજીઓ કરાતી હતી.  જેના પર હવે રોક લાગી છે. રાજય પોલીસ વડાએ ગત વર્ષે એક મહત્વનો નિર્ણય લીધો છે કે પોલીસ સ્ટેશનમાં આવતી નામ વગરની અરજીઓને ધ્યાને નહીં લઇને દફતરે કરી દેવી. સામાન્ય રીતે કોઇપણ પોલીસ સ્ટેશનમાં કેટલાક લોકો નનામીઓ અરજી કરીને લોકોને હેરાન કરતા હતાં જેનો ભરપૂર ફાયદો પોલીસ કર્મચારીઓ ઉઠાવી રહ્યા હતા. પોલીસ કર્મચારીઓએ નામ વગરની અરજીને તોડ કરવા માટેનું હથિયાર બનાવી દીધું હતું. જેમાં તેઓ આરોપ થયેલી વ્યકિતને દમ મારીને બોલાવતા હતા અને કેસ કરવાની ધમકી આપીને તોડપાણી કરતા હતા. ગેરકાયદે બાંધકામ કરતા બિલ્ડરો સહિત-વેપારીઓ વિરૂદ્ધમાં નનામી અરજી થતી હતી.

દેશની ઇન્ટરનલ સિકયોરીટી, સમાજની સુરક્ષા સબંધિત કોઇ પ્રશ્નો અથવા તો બુટલેગરો વિરૂદ્ધમાં જોઇ કોઇ નનામી અરજી આપશે તો તેમાં પોલીસ ગુપ્ત રાહે કાર્યવાહી કરે છે. આ અંગે સેકટર ર ના જોઇન્ટ કમિશનર ઓફીસ પોલીસ એમ.એસ. ભરાડાએ જણાવ્યું છે કે, નનામી અરજીઓ પર પોલીસ ઇન્વેસ્ટિગેશન કરશે નહી. જો નનામી અરજી આવશે તો તે ફાઇે કરાશે.

(4:16 pm IST)