Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

હોસ્ટેલમાં ત્રણ વિદ્યાર્થીનીને વીજ કરન્ટ : એકનું મોત થયું

દક્ષિણાપથ વિદ્યાલયની હોસ્ટેલનો બનાવ : નાળિયેર પાડતી વખતે વીજવાયર લોખંડના સળિયા ઉપર પડતાં તેના સંપર્કમાં આવતા વિદ્યાર્થીનીઓને જોરદાર કરંટ

અમદાવાદ, તા.૧૨ : ગુજરાતના જુદા જુદા ભાગોમાં હાલ વરસાદી માહોલ છે ત્યારે તાપીના જુદા જુદા વિસ્તારોમાં ભારે વરસાદ બાદ વરસાદ સંબંધિત ઘટનાઓ સપાટી ઉપર આવી રહી છે. વરસાદના લીધે વિજ કરંટના બનાવો પણ વધી ગયા છે. વિજ કરંટનો વધુ એક બનાવ હવે સપાટી ઉપર આવતા એકનું મોત થયું છે. તાપીના વ્યારામાં દક્ષિણાપથ વિદ્યાલયની ત્રણ વિદ્યાર્થીનીઓને હોસ્ટેલમાં વીજ કરંટ લાગતા એક વિદ્યાર્થીનીનું કરૂણ મોત નીપજયુ હતુ જયારે અન્ય બે વિદ્યાર્થીનીઓ ઘાયલ થઇ હતી, જેને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી.

     ખાસ કરીને વાલીઓમાં અને વિદ્યાલય-હોસ્ટેલના સ્ટાફ કર્મચારીઓમાં ભારે દોડધામ મચી ગઇ હતી. વીજકરંટના કારણે ગંભીર રીતે ઘાયલ બંને વિદ્યાર્થીનીઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ અંગે મળતી માહિતી પ્રમાણે, તાપી જિલ્લાના વ્યારામાં આવેલી દક્ષિણાપથ વિદ્યાલયની હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરી રહેલી ત્રણ વિદ્યાર્થીનીઓને વીજ કરંટ લાગ્યો હતો. વિદ્યાર્થીનીઓ નાળિયેરીના ઉંચા ઝાડ પરથી નાળિયેર પાડવાના પ્રયાસ કરી રહી હતી ત્યારે ત્યાંથી પસાર થતો વીજલાઇનનો વાયર પણ તેમના લોખંડના સળિયા પર પડતાં તેના સંપર્કમાં આવ્યા બાદ વિદ્યાર્થીનીઓને બહુ જોરદાર વીજકરંટ લાગ્યો હતો. આ સમગ્ર બનાવમાં એક વિદ્યાર્થીનીનું તો, ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બે વિદ્યાર્થીનીઓને ગંભીર હાલતમાં વ્યારાની જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જે પૈકી એકની હાલતમાં વધુ નાજુક હોવાથી સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

(10:43 pm IST)