Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

યુવકના પેટમાંથી કટર, પ્લગ સહિત ૪૫૨ વસ્તુઓ નિકળી

અમદાવાદ સિવિલ હોસ્પિટલનો સૌપ્રથમ કેસ : સિવિલના નિષ્ણાત તબીબોની સફળતા : સાવધાનીપૂર્વક ઓપરેશન કરીને યુવકનો જીવ બચાવી લેવામાં સફળતા

અમદાવાદ, તા.૧૨ : એશિયાની સૌથી મોટી એવી અમદાવાદની અસારવા ખાતેની સિવિલ હોસ્પિટલમાં એક ચોંકાવનારો કેસ સામે આવ્યો હતો. માનસિક અસ્થિર દર્દીના પેટમાંથી ડોક્ટરોને એક, બે, પાંચ કે પચ્ચીસ નહી પરંતુ બાઇકના પ્લગ, નેઇલકટર, બોલ્ટ જેવી અનેક જુદી જુદી ૪૫૨ જેટલી ધાતુની ચીજ-વસ્તુઓ મળી આવી હતી. આ પ્રકારનો કેસ જોઇ ખુદ સિવિલ હોસ્પિટલના તબીબો પણ આશ્ચર્યચકિત થઇ ગયા હતા. માનસિક રીતે અસ્થિર યુવક મેટલની વસ્તુઓ ખાઇ જતો હતો અને ગઇકાલે પેટમાં ભારે દુખાવો ઉપડતાં અને શ્વાસ લેવામાં તકલીફ થતાં તેને સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન માટે લવાયો હતો. જ્યાં ડોક્ટરોએ તેના પેટમાંથી અલગ-અલગ પ્રકારની મેટલની વસ્તુઓ બહાર કાઢી બહુ સફળ ઓપરેશન કરી તેને નવું જીવન આપ્યું હતું.

       સિવિલ હોસ્પિટલના સુપ્રિડેન્ટન્ટ ડો.એમ.એમ.પ્રભાકરે જણાવ્યું હતું કે, યુવકનું ઓપરેશન લગભગ એકથી દોઢ કલાક સુધી ચાલ્યું હતું અને નિષ્ણાત તબીબોની ટીમે ભારે સાવધાની અને સાવચેતી સાથે યુવકનું બહુ જટિલ અને ગૂંચવણભર્યુ કહી શકાય એવું ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડયું છે. હાલ યુવકની હાલત તબિયત સારી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આ પ્રકારનો સૌ પ્રથમ કેસ નોંધાયો છે. આ કંઇક વિચિત્ર અને આશ્ચર્ય ઉપજાવે તેવા કિસ્સા અંગે સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો.એમ.એમ.પ્રભાકરે જણાવ્યું હતું કે, મેન્ટલ હોસ્પિટલમાંથી એક ૨૮ વર્ષીય યુવકને સિવિલ હોસ્પિટલના ઇએનટી વિભાગમાં રિફર કરાતાં એડમિટ કરવામાં આવ્યો હતો. તબીબોએ દૂરબીન નાખી તપાસ કરી તો તેની તેની શ્વાસનળીમાં પીન ફસાઇ ગઇ હોવાનું સામે આવ્યું હતું. જેથી તબીબોએ યુવકના ગળામાંથી પીન બહાર કાઢી લીધી હતી. પીન કાઢ્યાં બાદ ડોક્ટરોએ તેના પેટનો એક્સ રે કરાવ્યા હતાં.

         એક્સ રે રિપોર્ટ આવતા જ તબીબો આશ્ચર્યમાં મુકાઇ ગયા હતા અને ચોંકી ઉઠયા હતા. કારણ કે, દિપકના પેટમાં અને અન્ય ભાગોમાં ખીલ્લી, બાઇકનો પ્લગ, નેઇલકટર, બોલ્ટ, પીન સહિતની ચીજવસ્તુઓ હોવાનું માલૂમ પડયુ હતું. જેથી સિવિલ હોસ્પિટલના નિષ્ણાત તબીબોની ટીમે તેને તાત્કાલીક સર્જરી વિભાગમાં ખસેડવામાં આવ્યો હતો. સર્જરી વિભાગના ડો. કલ્પેશ પરમાર, ડો. વશિષ્ટ જલાલ, ડો.આકાશ શાહ, ડો.નિસર્ગ પટેલ અને ટીમે તેના વિવિધ રિપોર્ટ કરી ઓપરેશન કરી વસ્તુઓ બહાર કાઢવાનું નક્કી કર્યું હતું. ભારે જહેમત અને બહુ સાવધાનીપૂર્વક યુવકનું ઓપરેશન કરવામાં આવ્યું હતુ અને તેના પેટમાંથી એક, બે, પાંચ, પચ્ચીસ નહી પરંતુ ખીલ્લી, બાઇકનો પ્લગ, નેઇલકટર, બોલ્ટ, પીન સહિત ૪૫૨ જેટલી ચીજવસ્તુ કાઢવામાં આવી હતી. એક પછી એક વસ્તુ નીકળતા ઓપરેશન દરમ્યાન તબીબો ચોંકી ઊઠ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં આવેલો આ પ્રકારનો સૌપ્રથમ કિસ્સો છે.

(9:49 pm IST)