Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

રખડતા ઢોર પકડવા તંત્ર પાસે પૂરતો સ્ટાફ જ નથી

હાઇકોર્ટનો આદેશ છતાં સ્ટાફની મોટી સમસ્યાઃ રખડતા ઢોરોની સમસ્યાનું નિવારણ લાવવું એ તંત્ર માટે કપરું કાર્ય :સરકાર પણ આ મુદ્દે વિચારણા કરી રહી છે

અમદાવાદ, તા.૧૩: ગુજરાત હાઇકોર્ટ દ્વારા રખડતા ઢોરના ત્રાસ નિવારણ માટે અવારનવાર મહત્વના આદેશો જારી કરાયા છે પરંતુ હજુ સુધી રખડતા ઢોરની સમસ્યાનું સંપૂર્ણપણે નિવારણ થઇ શકયું નથી. તેનું સૌથી મોટું એક કારણ એ પણ છે કે, રખડતા ઢોર પકડવા માટે ખુદ અમ્યુકો તંત્ર પાસે પૂરતો સ્ટાફ જ નથી. રખડતા ઢોરની સમસ્યાનું સંપૂર્ણ નિવારણ લાવવું એ અમ્યુકો તંત્ર માટે બહુ કપરું કાર્ય છે. ખુદ રાજય સરકાર પણ આ મુદ્દે વિચારણા કરી રહી છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના જમાલપુરના જગન્નાથ મંદિરની સામે આવેલા સેન્ટ્રલ સ્ટોર્સમાં ઢોર ત્રાસ અંકુશ વિભાગની ઓફિસ છે. આ વિભાગ દ્વારા શહેરભરમાંથી ઢોર પકડવાની કામગીરી હાથ ધરાઇ રહી છે. ગયા શુક્રવારે હાઇકોર્ટના આદેશના પગલે ઢોર ત્રાસ અંકુશ વિભાગ દ્વારા નહેરુનગર, પાલડી, ખમાસા સહિતના વિસ્તારમાંથી ૯૮ ઢોર પકડીને ઢોરવાડે પુરાયા હતા. ગત ઓગસ્ટ ર૦૧૭થી અત્યાર સુધીમાં તંત્ર દ્વારા ૧૭રર૮ ઢોર ઝબ્બે કરાયા છે. જોકે ઢોર ત્રાસ અંકુશ વિભાગમાં સ્ટાફની કારમી અછત છે. અમદાવાદનું ક્ષેત્રફળ ૪૬૬ ચોરસ કિ.મી. સુધી ફેલાયું હોઇ દાયકાઓ જૂનું સ્ટાફનું શેડ્યુલ આજે પણ નવા સમયને અનુરૃપ બનાવાયું નથી. સૂત્રોના મતે, સમગ્ર ઢોર ત્રાસ અંકુશ વિભાગ અન્ય વિભાગથી આવેલા કર્મચારીઓની ફાળવણીથી ચાલે છે. ખુદ સુપ્રીન્ટેન્ડન્ટ ડો. જયંત કાચા રાજ્ય સરકારમાંથી આવ્યા છે. ઓફિસ સુપરિન્ટેડેન્ટ એસ.આઇ., એસ.એસ.આઇ., મુકાદમ, ડબાકિપર વગેરે સ્ટાફની જગ્યા ખાલી પડી છે. ઢોર પકડવા માટેના મજૂરની જગ્યા ૬૮ હોઇ તે પૈકી મોટા ભાગની જગ્યા ખાલી પડી છે. કાયમી સફાઇ કર્મચારી વગેરેની પણ જગ્યા ભરવાની તસદી લેવાઇ નથી. આ વિભાગના સ્ટાફને ઇન્ટરનેટની સુવિધા પણ અપાઇ નથી. પરિણામે સ્ટાફમાં એક અથવા બીજા પ્રકારનો અસંતોષ ફેલાયો છે. તો સાથે સાથે તેની સીધી અસર રખડતા ઢોરને પકડવાની અને તેને આનુષંગિક કામગીરી પર પણ પડી રહી છે. ખુદ અમ્યુકો તંત્ર માટે રખડતા ઢોરની સમસ્યા માથાના દુખાવા સમાન બની રહી છે ત્યારે સરકાર પણ આ મામલે જરૃરી વિચારણા હાથ ધરી રહી છે.

(10:18 pm IST)