Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

પ્રમુખ સ્વામીની પુણ્યતિથિએ તમામ શ્રદ્ધાળુઓએ યાદ કર્યા

પ્રમુખ સ્વામીથી તમામ ખુબ જ પ્રભાવિત હતાઃ ક્રિકેટ માટે સાધનો લેવા નિકળેલા શાંતિ પટેલ કઈ રીતે સાધુ બની ગયા તે પણ તમામ માટે પ્રેરણા સમાન જ છે

અમદાવાદ,તા.૧૩: પ્રમુખ સ્વામી મહારાજની પુણ્યતિથિએ શ્રદ્ધાળુઓ દ્વારા તેમને યાદ કરવામાં આવ્યા હતા અને તેમની સેવાઓની પણ ફરી એકવાર નોંધ લેવામાં આવી હતી. ક્રિકેટના સાધનો લેવા માટે નિકળેલા શાંતિ પટેલ કઇરીતે મહાન સંત બની ગયા તેની પણ એક પ્રેરણાસમાન બાબત રહી છે. આજે તેમના લાખો ભક્તોએ પુણ્યતિથિએ તેમને યાદ કર્યા હતા. સ્વામીનારાયણ સંપ્રદાયના વડા પ્રમુખ સ્વામી મહારાજની આજે બીજી પૂણ્યતિથિ હતી. ૧૩મી ઓગસ્ટ ૨૦૧૬ના દિવસે સાંજે છ વાગે પ્રમુખ સ્વામી મહારાજ બ્રહ્મલીન થયાં હતા. પ્રમુખ સ્વામી મહારાજનો જન્મ પિતા મોતીભાઈ અને માતા દિવાળી બાના ઘરે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ચાણસદ ગામે થયો હતો. તેમનો જન્મ ૭મી ડિસેમ્બર ૧૯૨૧ના દિવસે થયો હતો. તેમનું જન્મનું નામ શાંતિલાલ પટેલ હતું. તેઓ ક્રિકેટના સાધનો લેવા નીકળેલા અને રસ્તામાં શાસ્ત્રીજી મહારાજની ચિઠ્ઠી મળતા સાધુ જીવન તરફ વળી ગયા હતા. બાપાને ૧૬ મે ૧૯૨૯ના રોજ ગામની શાળામાં પહેલા ધોરણમાં ભણવા બેસાડવામાં આવ્યા હતા. શાંતિલાલ સ્વભાવે શાંત પણ શિસ્તબદ્ધ, સમયપાલન સાથે ભણવામાં હોંશિયાર હતા. ઈતિહાસ અને ગણિત એમના પ્રિય વિષયો હતાં. વર્ગમાં ભણીને નંબર લાવવામાં સ્પર્ધા થતીને તેઓ હંમેશાં પ્રથમ -દ્બિતિય ક્રમાંકે વર્ગમાં રહેતા. એકથી પાંચ ધોરણ બાદ, તેમણે છઠ્ઠા ધોરણ માટે ,પાદરા ગામની શાળામાં પ્રવેશ લીધો. મિત્રો સાથે છ કિ.મી. સાયકલ લઈ, ઉબડ-ખાબડ રસ્તે, વરસાદના અંતરાયો વચ્ચે પણ અભ્યાસ માટે નિયમિત જતા હતા. પ્રમુખ સ્વામી મહારાજથી તમામ વિશ્વની મોટી હસ્તીઓ પણ પ્રભાવિત રહી હતી જેમાં સ્વર્ગસ્થ રાષ્ટ્રપતિ અને દેશના અગ્રણી વૈજ્ઞાનિક અબ્દુલ કલામ પણ ખુબ પ્રભાવિત હતા. આ ઉપરાંત વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પ્રમુખ સ્વામી મહારાજથી પ્રભાવિત રહ્યા છે અને તેમને પોતાના પિતા સમાન ગણતા હતા. આ ઉપરાંત વિશ્વની અન્ય મોટી હસ્તીઓ પણ જ્યારે અમદાવાદ પહોંચતી હતી ત્યારે પ્રમુખ સ્વામી મહારાજને મળતી હતી.

(10:22 pm IST)