Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

વિદ્યાનગરની યુવતીને પ્રેમ જાળમાં ફસાવી 35.25 લાખ પડાવનાર નરાધમ વિરુદ્ધ ગુનો દાખલ

આણંદ:નજીક આવેલા વિદ્યાનગરની એક યુવતીને વિઝા કન્સ્લટન્સીનું કામકાજ કરતા એક શખ્સ દ્વારા પાંચ વર્ષ પહેલા પ્રેમજાળમાં ફસાવીને તેણીનો અત્યાર સુધી ઉપભોગ કરી ગર્ભપાત કરાવી નાંખીને ૩૫.૨૫ લાખ રૂપિયા પડાવી લઈ છેતરપીંડી કરતા સમગ્ર મામલો વિદ્યાનગર પોલીસ મથકે પહોંચ્યો છે જ્યાં પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે. 
પ્રાપ્ત વિગતો અનુસાર વિદ્યાનગર ખાતે રહેતી એક યુવતી સને ૨૦૧૩માં વિદેશથી પરત ફરી હતી જ્યાં તેની ઓળખાણ વિદ્યાનગરના કેયુર બંગલોમાં રહેતા અને વિઝા કન્સલટન્સીનું કામકાજ કરતા અમિતભાઈ ગુણવંતભાઈ પટેલ સાથે થતાં તેણે પહેલા આત્મીયતા કેળવીને યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ અંબાજી, ભાવનગર, જેસલમેર, દમણ વગેરે જગ્યાએ લઈ જઈને તેણીની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. ત્યારબાદ યુવતીને મુંબઈ ખાતે નોકરી માટે મોકલી આપી હતી. 
એ દરમ્યાન તેણીના એકાઉન્ટની સાથે પોતાનુ નામ જોડી દઈને ખાતામાંથી ૩૫.૨૫ લાખની રકમ પણ સેરવી લીધી હતી. મુંબઈ ખાતે થોડો સમય રહ્યા બાદ યુવતી પર ફરી હતી. દરમ્યાન જબરજસ્તીથી બાંધેલા શારીરિક સંબંધોને લઈને યુવતી ગર્ભવતી બનતાં ગર્ભપાત કરાવી નાંખવા માટે અમિતભાઈ પટેલ દ્વારા દબાણ ચાલુ કર્યું હતુ પરંતુ યુવતી ના માનતાં તેણીને મારઝુડ કરીને સીગરેટના ડામ દેવાનું ચાલુ કરી દીધું હતુ. ત્યારબાદ યુવતીને આણંદની ચિરાગ હોસ્પિટલમાં લઈ જઈને ગર્ભપાત કરાવી નાંખ્યો હતો. અમિત પટેલ દ્વારા આ બાબતે કોઈને નહીં કહેવા તેમજ ફરિયાદ નહીં કરવા માટે ધાકધમકીઓ આપવાનું ચાલુ કરતાં જ યુવતીએ ગઈકાલે વિદ્યાનગર પોલીસ મથકે પહોંચીને પોતાની ફરિયાદ આપી હતી.

(5:10 pm IST)