Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

ઉમરેઠની પરિણીતા પાસે વારંવાર બીભત્સ માંગણી કરી માનસિક રીતે પરેશાન કરનાર વિરુદ્ધ ફરિયાદ

ઉમરેઠ:માં રહેતી પરિણીતાને વારંવાર બિભત્સ માંગણી કરતા ફોન આવતા હોવાથી તેણી માનસિક રીતે પરેશાન થઇ ગઇ હતી. તેણીએ પોતાના પતિને સઘળી વાત કરતા પરિણીતાના પતિએ જે નંબર પરથી ફોન આવતો હતો તે નંબર પર વળતો ફોન કરતા સામેથી ફોન કરનારે પરિણીતાના પતિના પગ ભાંગી નાંખવાની અને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી. આ મામલે વર્ષ ર૦૧૬માં અજાણ્યા યુવક વિરુદ્વ ઉમરેઠ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી. જેથી પોલીસે મોબાઇલ કંપનીનું સીમ કાર્ડ ટ્રેસ કરીને કંપની પાસેથી ગ્રાહકની સઘળી વિગતો એકત્ર કરી હતી. જેમાં વિકાસ કુમાર નામના વ્યક્તિનું સીમકાર્ડ હોવાનું ખુલ્યું હતું. જેની પૂછપરછ કરતાં તેના મિત્રએ પોતાના ડોક્યુમેન્ટના આધારે સીમકાર્ડ મેળવ્યું હોવાનું ખુલ્યું હતું. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરતા ખોટા દસ્તાવેજી પુરાવાનો ખોટો ઉપયોગ કરી અન્યનું સીમકાર્ડ મેળવનાર રાકેશભાઈ સતિષભાઈ ચૌહાણ (રહે. વાઘોડિયા , જિ. વડોદરો)નો સમગ્ર ભાંડો બહાર આવ્યો હતો. વ્યવસાયે દરજી કામ કરનાર રાકેશ ચૌહાણ અવાર નવાર પરિણીતાને ફોન ઉપર બિભત્સ માંગણીઓ કરીને હેરાન પરેશાન કરતો હતો. પોલીસે તેની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી હતી અને ઉમરેઠ કોર્ટમાં કેસ ચાલ્યો હતો. આ કેસમાં સરકારી વકીલ રાજેશ્રીબેન એમ. ઠાકોરે સમાજમાં મહિલાઓને હેરાનગતિના વધતા જતા બનાવો, સ્ત્રી સલામતી માટે આરોપીને મહત્તમ સજા કરવા સહિતની દલીલ કરી હતી. ઉમરેઠ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટક્લાસ આઈ.આઈ. પઠાણે તમામ આધાર પુરાવા અને છેડતી સહિતની કલમો હેઠળ રોમીયોગીરી કરનાર રાકેશ સતિષભાઈ ચૌહાણને ગુનેગાર ઠેરવી ૬ માસની સાદી કેદની સજા અને રૂા. ૫૦૦ના દંડની સજા કરી હતી.

(5:09 pm IST)