Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

મગફળી ગોડાઉન સળગવા દેવા માટેનું તીવ્ર દબાણ હતું

ફાયરમેનના ખુલાસાથી રાજકીય ખળભળાટ : અમે મગફળી ગોડાઉન ૧૦૧ ટકા અડધુ બચાવી શકયા હોત પરંતુ નાયબ કલેકટરે કામ કરવા માટે ના પાડી હતી

અમદાવાદ, તા.૧૨ : રાજ્યભરમાં સળગી રહેલા મગફળીના ગોડાઉન અંગે ચોંકાવનારો ખુલાસો કરતી રાજકોટના એક ફાયરમેનની ઓડિયોકલીપ વાયરલ થતાં ગુજરાતના રાજકારણમાં જબરદસ્ત ખળભળાટ મચી ગયો છે. વિરોધપક્ષના નેતા સાથે આ ફાયરમેનની વાતચીતની ઓડિયોકલીપમાં ફાયરમેન સનસનીખેજ ખુલાસો કરે છે કે, અમે ગોંડલવાળુ મગફળી ગોડાઉન ૧૦૧ ટકા અડધુ બચાવી શકયા હોત પરંતુ નાયબ કલેકટરે કામ કરવાની ના પાડતાં તે આગમાં સળગવા દીધું. ફાયરમેનના આ સનસનીખેજ ખુલાસા બાદ હવે મગફળી કૌભાંડ અને તેના વિવિધ ગોડાઉનમાં લાગેલી આગના પ્રકરણમાં મોટા માથા અને સરકારના ઉચ્ચ અધિકારીઓ સામે શંકાની સોંય તકાઇ છે. રાજકોટના એક ફાયરફાઇટરના ફાયરમેન અને વિપક્ષી નેતા પરેશ ધાનાણીની વચ્ચે વાતચીતમાં તમામ મગફળી કૌભાંડનો ખુલાસો થતો જણાય છે. ફાયરમેન કહે છે કે, અમને આગ બુઝાવતી વખતે મગફળીના કોથળા વચ્ચેથી અનેક ડિઝલના કેન મળ્યા હતા અને અને ગોંડલનું અડધું ગોડાઉન સળગતું બચાવી શક્યા હોત પણ નાયબ કલેક્ટરે કામ કરવાની ના પાડી એટલે સળગવા દીધું. મોટા ઉપાડે રાજ્ય સરકારે ખેડૂતો પાસેથી મગફળી ટેકાના ભાવે ખરીદી પણ સરકારી ગોડાઉનો તેને સાચવી ના શક્યા. ગોંડલ, પેઢલા, રાજકોટ એમ કેટલીય જગ્યાએ વારાફરતી વારા મગફળીના ગોડાઉન સળગ્યા. કરોડોની મગફળી સળગી અને અનેક કેસો પણ થયા. પણ એ રહસ્ય તો અકબંધ રહ્યું કે સળગાવી કોણે ? હવે ફાયરમેનના ચોંકાવનારા ખુલાસા નવા ગંભીર યક્ષપ્રશ્નો એ ઉઠી રહ્યા છે કે, જો મગફળી ગોડાઉન સળગતા બચાવી શકાતા હતા તો ગોડાઉન બળીને ખાખ થઇ જવામાં કોને રસ હતો અને કોની સૂચનાના આધારે સરકારી અધિકારીઓ આગ બુઝાવવાની કામગીરી રોકી હતી, ગોડાઉનોમાં લાગેલી આગ પાછળ કોનો દોરીસંચાર હતો અને સૌથી મોટી વાત તે તેની પાછળનો ઇરાદો અને કયું રાજકારણ હતું તે સળગતા સવાલો ઉઠયા છે. મગફળી કૌભાંડમાં આ ચોંકાવનારા ખુલાસા બાદ વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજય સરકાર અને તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા અને તેમના વિરોધ પ્રદર્શન અને ધરણાં ચાલુ રાખ્યા હતા.

ફાયરમેનની વાતોના અંશો

વાતોના અંશ સપાટી ઉપર આવતા સનસનાટી

અમદાવાદ, તા.૧૨ : રાજ્યભરમાં સળગી રહેલા મગફળીના ગોડાઉન અંગે ચોંકાવનારો ખુલાસો કરતી રાજકોટના એક ફાયરમેનની ઓડિયોકલીપ વાયરલ થતાં ગુજરાતના રાજકારણમાં જબરદસ્ત ખળભળાટ મચી ગયો છે.   વિરોધપક્ષના નેતા સાથે આ ફાયરમેનની વાતચીતની ઓડિયોકલીપમાં ફાયરમેન સનસનીખેજ ખુલાસો કરે છે કે, અમે ગોંડલવાળુ મગફળી ગોડાઉન ૧૦૧ ટકા અડધુ બચાવી શકયા હોત પરંતુ નાયબ કલેકટરે કામ કરવાની ના પાડતાં તે આગમાં સળગવા દીધું. ફાયરમેનની વાતોના અંશ નીચે મુજબ છે.

*      અમે ગોંડલવાળું ગોડાઉન ૧૦૧% અડધું તો બચાવી જ શક્યા હોત, પરંતુ નાયબ કલેક્ટરે કામ કરવાની ના પાડતા સળગવા દીધું

*      ફાયરની ટીમે કેટલાય ડિઝલ ભરેલા કેન જોયા હતા જેમાંથી એક ડ્રાઇવરએ ૨૦ લિટર ડિઝલ ભેરલું કેન જાતે મગફળીના કોથળામાંથી કાઢ્યું હતું

*      ફાયરનો કોલ મળતા જ અમે ૫ ગાડી લઇ ત્યાં પહોંચ્યા હતા પણ નાયબ કલેક્ટરે કામ કરવાની ના પાડતા ૪ ગાડી લઇ પરત ફર્યા હતા

*      અમારા આસિ.ફાયર સુપ્રિડેન્ટ અને નાયબ કલેક્ટર વચ્ચે ઝઘડો થયો હતો, ઝઘડા બાદ અમે કામ બંધ કરી દીધું હતું

*      ફાયરની ગાડીમાં પણ ઉપરની પાઈપથી જ પાણી છાટવાની છૂટ આપી હતી

*      શરૂઆતમાં તો માત્ર એક જ પાઇપથી મગફળીના કોથળા પર નહીં છાપરા પર પાણી છાંટવા કહેલું

*      સમગ્ર ટીમ આગ લાગ્યાના ૬-૭ કલાક પછી યોગ્ય રીતે કામે લાગી ત્યાં તો લગભગ બધું સળગી ગયું

*      નાયબ કલેક્ટર પર મગફળી સળગવા દેવાનું દબાણ હતું

*      રાજકોટ બેડીમાં મગફળી ગોડાઉન સળગવા મુદ્દે ફાયરમેને કહ્યું કે, અમે ૧૨ ગાડી લઇને થોડી જ વારમાં પહોંચી ગયા હતા, પણ ચારે તરફથી આગ લગાડેલી હતી

*      સમગ્ર ગોડાઉન ખુલ્લું હતું માત્ર છાપરા સિવાય એટલે આગ બુઝાવવી ખૂબ સરળ હતી

*      એક જ ગોડાઉનમાં ઘઉં, કઠોળ સહિત અન્ય ઘણી વસ્તુ હતી પણ માત્ર મગફળી જ સળગતી હતી

*      સળગતા મગફળીના કોથળામાં માટી અને અન્ય વસ્તુઓ પણ ભરેલી હતી.

(9:28 pm IST)