Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

હાર્દિકે પરવાનગી માંગી તો, મેદાનો પાર્કિંગ પ્લોટ ઘોષિત

મેદાનોની મંજૂરી માંગવા મામલે નવો વળાંક : અમ્યુકો તંત્રના વલણને લઇ પાટીદાર અનામત આંદોલન સમિતિ તરફથી ભારે નારાજગી વ્યકત કરાઇ : અહેવાલ

અમદાવાદ, તા.૧૨ : પાસના કન્વીનર અને પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલનું અમરણાંત ઉપવાસ આંદોલન તા.૨૫મી ઓગસ્ટથી શરૂ થઇ રહ્યું છે ત્યારે હાર્દિક પટેલ તરફથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સત્તાવાળાઓ પાસે શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા જે વિશાળ ત્રણ મેદાનોમાં આ કાર્યક્રમ યોજવાની મંજૂરી મંગાઇ છે તે મેદાનો હવે અમ્યુકો સત્તાધીશો પાર્કિંગ પ્લોટ તરીકે જાહેર કરી દીધા છે, જેને લઇ હવે સમગ્ર મામલામાં એક નવો જ વળાંક આવ્યો છે. બીજીબાજુ, પાટીદાર અનામત આંદોલને અમ્યુકો તંત્રના આ વલણને વખોડી કાઢી તેને એક રાજકીય ષડયંત્ર ગણાવાઇ રહ્યું છે. અમ્યુકો સત્તાવાળાઓ દ્વારા શહેરના નિકોલ વિસ્તારમાં શુકન ચાર રસ્તાની બાજુ તેમ જ સરોવર પ્લાઝાની સામેનું મેદાન સહિતના પાંચથી વધુ મેદાનો અચાનક જ પાર્કિંગ પ્લોટ તરીકે જાહેર કરી દેવાયા છે. નિકોલ એ પાટીદારોનો ગઢ એરિયા મનાય છે અને ત્યાંના મેદાનમાં પાટીદારોની અસાધારણ જનમેદની ઉમટે તેવી પૂરી શકયતા હોઇ તંત્ર દ્વારા બહુ ગણતરીપૂર્વક હાઇકોર્ટના નિર્દેશોને આગળ ધરીને શહેરીજનો માટે પાર્કિંગ વ્યવસ્થા ઉપલબ્ધ બનાવવા માટે પાર્કિંગ પ્લોટ જાહેર કરાયાનું બહાનુ ધરી રહી છે. અમ્યુકો તંત્રના આ વલણને લઇ પાટીદાર અનામત આંદોલન સમિતિએ ભારે નારાજગી વ્યકત કરી છે અને તેને વખોડતાં જણાવ્યું છે કે, તંત્ર દ્વારા જે મેદાનોને પાર્કિંગ પ્લોટ જાહેર કરાયા છે તેમાં કોઇ વાહનો પાર્ક થતા જ નથી. માત્ર પાટીદાર સમાજને મેદાન નહી ફાળવવાનું આ એક ષડયંત્ર છે. હાર્દિકના ઉપવાસ આંદોલનને સફળ નહી થવા દેવા માટે સરકારના ઇશારે રાજકીય રમત રમાઇ રહી છે. બીજીબાજુ, હાર્દિક પટેલ અને પાટીદાર અનામત આંદોલન સમિતિએ ફરી એકવાર તા.૨૫મી ઓગસ્ટથી અચોક્કસ મુદતના ઉપવાસ આંદોલનની મકક્મતા વ્યકત કરવામાં આવી હતી અને તેને લઇને તમામ રણનીતિઓ તૈયાર હોવાનો સંકેત પણ અપાયો હતો.

(7:33 pm IST)