Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

માત્ર કાર્યક્રમોમાં હાજરી આપવાના બદલે સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચાડોઃ અમદાવાદમાં સી.આર. પાટીલની આગેવાનોને ટકોરઃ સરકારી યોજના માટેના વોટસએપ નંબર ન પહોંચાડતા ઠપકો આપ્‍યો

અમદાવાદ: અમદાવાદની નિકોલ વિધાનસભાના ચોપડા વિતરણ કાર્યક્રમમાં હાજર રહેલા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે આગેવાનોને ટકોર કરી હતી. પ્રદેશ પ્રમુખે પોતાના સંબોધનમાં આગેવાનોને કહ્યું કે, ફકત કાર્યક્રમોમાં હાજરી આપવાથી કઈં નહિ થાય, કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચાડો. પ્રધાનમંત્રી મોદીએ લોકો માટે 12 રૂપિયામાં 2 લાખની વીમા યોજના શરૂ કરી છે. દરેક કાર્યકર્તા પોતાના જન્મદિવસે 10 લોકોના વીમા ઉતારે અને ભાજપે જાહેર કરેલા વોટ્સએપ નંબરથી જરૂરિયાતમંદોને બેંક લોનથી લઈને સરકારની યોજનાઓની વિગતો પહોંચાડે જે લોકોનું જીવન બદલશે.

તેમણે ધારાસભ્ય જગદીશ પંચાલના કાર્યક્રમના આયોજન બદલ પીઠ થાબડી. તો સાથે જ બધા કાર્યકરોને ફોનના માધ્યમથી સરકારની યોજના માટેનો વોટ્સએપ નંબર ન પહોંચાડવા બદલ ઠપકો પણ આપ્યો. અમદાવાદ શહેર પ્રમુખ અમિત શાહને આગામી આયોજનો માટે સૂચના આપી અને ઝડપથી કોર્પોરેટરો સાથેની બેઠક બોલાવવા કહ્યું. તેમણે કાર્યકર્તાઓને આગામી દિવસોમાં ફરી વાર લોકો વચ્ચે જવા કહ્યું. અમદાવાદ શહેર સંગઠન બન્યા બાદ ઝડપથી આયોજન થાય તે માટે ટકોર કરી.

ભાજપ અધ્યક્ષે કહ્યું કે, જનસંઘના ઈતિહાસ સાથેની વિગતોવાળું ટેબલેટ પક્ષના 10 હજાર આગેવાનોને અપાશે. જેનાથી ટેકનોલોજીનો વ્યાપ જમીન સુધી પહોંચે. આખા દેશમાં ક્યાંય ન હોય તેવું ટેકનોસેવી સંગઠન ગુજરાત ભાજપનું હશે.

કેન્દ્ર અને રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓથી જ લોકોનો વિશ્વાસ સંપાદિત થશે અને લોકો ભાજપ સાથે રહેશે તેવો વિશ્વાસ ભાજપ પ્રમુખે વ્યક્ત કર્યો. ત્યારે આગામી દિવસોમાં અમદાવાદ શહેર ભાજપ સંગઠને વધુ મહેનત કરવી પડશે તે નિશ્ચિત છે.

(4:17 pm IST)