Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

અષાઢી બીજે રાજ્યમાં ૧૩૦૦૦ વાહનો વેચાયા

ટુવ્હીલરમાં ૩૦ ટકા તો ફોર વ્હીલરના વેચાણમાં ૧૫ ટકાનો વધારો : અમદાવાદમાં ૮ હજાર ટુવ્હીલર વેચાયા : સુરેન્દ્રનગરમાં ખેડૂતોએ કરી ટ્રેકટર્સની ખરીદી

અમદાવાદ તા. ૧૩ : કોરોના કાળમાં અષાઢી બીજનું શુભ મૂહૂર્ત ઓટો સેકટર માટે આશિર્વાદ રૂપ સાબિત થયું છે. મોટી સંખ્યામાં ટુ અને ફોર વ્હીલર વાહનોનું વેચાણ થયું છે. અષાઢી બીજે રાજયમાં ૧૩ હજાર વાહનોનું વેચાણ થયું. આ વર્ષે ટુવ્હીલરના વેચાણમાં ૩૦ ટકા અને ફોર વ્હીલરના વેચાણમાં ૧૫ ટકાનો વધારો નોંધાયો છે.

અમદાવાદ શહેરમાં અંદાજીત એક હજાર કાર અને ૮ હજાર ટુવ્હીલરનું વેચાયા. તો રાજકોટ શહેરમાં આવેલા અલગ-અલગ ફોરવીલના શોરૂમમાં સવારથી લોકો પોતાની મનપસંદ કારની ખરીદી કરવા પહોંચ્યા હતા. રાજકોટ શહેરમાં અલગ અલગ કંપનીના ૧૨ જેટલા ફોરવીલ શોરૂમ આવેલા છે. સામાન્ય દિવસોમાં સમગ્ર રાજકોટમાંથી દરરોજ ૩૦ થી ૪૦ જેટલી કારનું વેચાણ થતું હોય છે. પરંતુ અષાઢી બીજનો પર્વ હોવાથી આ વેચાણ અનેક ગણું વધી ગયું હતું. ગયા વર્ષ કરતાં લગભગ ૫૦થી ૬૦ ટકા ફોરવીલ વેચાણ વધ્યું છે. ગયા અષાઢીબીજે  ૨૫૦ જેટલી કાર વેચાઈ હતી. જેની સામે આ વર્ષે ૫૫૦થી ૬૦૦ કાર વેચાઈ. તો સુરેન્દ્રનગરમાં અષાઢી બીજના દિવસે ખેડૂતોએ ટ્રેકટરની ખરીદી કરી છે.

ઓટો મોબાઈલ માર્કેટમાં દિવસભ૨ શુભ મુર્હુતોમાં નવા વાહનોની ખરીદીનો શો રૂમોમાં ધમધમાટ જોવા મળ્યો હતો. છેલ્લા દોઢ વર્ષથી કોરોના મહામારીના પગલે અન્ય માર્કેટ સાથે ઓટો મોબાઈલ્સ માર્કેટને મોટી અસ૨ પડી હતી કોરોનાની બીજી ઘાતક લહે૨ શાંત પડતા માર્કેટમાં ધીમે-ધીમે ખરીદીનો માહેલ પુનઃ જામી રહ્યો છે. અષાઢી બીજના શુભ હિતે દિવસભ૨ ટુવ્હીલ૨ અને ફો૨ વ્હીલ૨ બીજ પર્વ પૂર્વે બુકિંગ કરાવેલી ગાડીઓની આજે શો-રૂમોમાંથી ડીલીવરી લેવામાં આવી હતી.

કોરોના કાળ છતાં જાન્યુઆરીથી માર્ચ સુધી દર મહિને ૨૫૦૦થી વધુ  ટુ વ્હીલર વેચાતા હતા જે માત્ર પેટ્રોલથી ચાલતા હોય છે. એપ્રિલમાં ઘટીને ૧૬૨૬ અને મે માસમાં માત્ર ૯૪૭નું વેચાણ થયું ત્યારે કોરોના પીક પર હતો. પરંતુ, હાલ જૂનથી કોરોના મંદ પડી ગયો છે  છતાં જૂન માસમાં માત્ર ૧૭૦૫ ટુ વ્હીલર અને માત્ર ૨૯૮ કારનું વેચાણ થયું છે. મે માસ કરતા પણ જૂનમાં મધ્યમવર્ગ દ્વારા ખરીદાતી કારનું વેચાણ ઘટયું છે.

(3:27 pm IST)