Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

શાસ્ત્રી ધર્મજીવનદાસજી સ્વામીએ સંસ્કારી વિદ્યાર્થીઓ તો તૈયાર કર્યા પણ સાથો સાથ સ્ત્રી ધનના ત્યાગી,

નિયમમાં સારધાર, વિદ્વાન, કર્મઠ સંતો સંપ્રદાયને ભેટ આપ્યા છે તે પ્રશંસનીય છે.: વડતાલ પીઠાધિપતિ  શ્રી  રાકેશપ્રસાદજી મહારાજ: જેમ અર્જુનનો રથ ભગવાન શ્રી કૃષ્ણે ચલાવ્યો તેમ શાસ્ત્રી મહારાજનો રથ ભગવાન શ્રી સ્વામિનારાયણે આખી જિંદગી ચલાવ્યો:    શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી

SGVP છારોડી ગુરુકુલ પરિસરમાં જગન્નાથ ભગવાનની નીકળેલ રથયાત્રા પૂર્ણ થયા બાદ ગુરુકુલ આદ્ય સંસ્થાપક શાસ્ત્રી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીની ઉજવાયેલ ૧૨૦મી જન્મજયંતી

અમદાવાદ તા. ૧૩ SGVP ગુરુકુલના અધ્યક્ષ શ્રી શા.માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની આગેવાની નીચે  શ્રીસ્વામિનારાયણ ગુરુકુલ મેમનગર ખાતે, છેલ્લા ૧૪ વર્ષ થયા પશ્ચિમ વિસ્તારમાં રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. પરંતુ આ વરસે કોરાના મહામારીના કારણે પશ્ચિમ વિસ્તારમાં રથયાત્રા બંધ રાખેલ છે તેને બદલે સરકારશ્રીના નિર્દેશ મુજબ મેમનગર ગુરુકુલમાં શ્રી જગન્નાથ ભગવાનનું પૂજન કરી SGVP છારોડી ગુરુકુલના પરિસરમાં જ રથને શણગારી રથમાં જગન્નાથ ભગવાન, બળદેવજી અને સુભદ્રાબેનને પધરાવી વિદ્વાન શ્રી રામપ્રિયજી અને પ્રધાનચાર્ય અર્જુનાચાર્યજી તથા લક્ષ્મીનારાયાણજીએ મંત્રગાન સાથે પૂજન કરાવ્યુ હતું અને ત્યારબાદ  છારોડી ગુરુકુલ પરિસરમાં જ રથયાત્રા રુપે ફરી હતી.

     ત્યારબાદ પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી અને પુરાણી ભકિતપ્રકાશદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં ગુરુકુલ આદ્ય સંસ્થાપક શાસ્ત્રી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીની ૧૨૦મી જન્મજયંતી ઉજવવામા આવી હતી.

 આ પ્રસંગે દ્રોણેશ્વર ગુરુકુલમાં પધારેલ પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામીએ ટેલિફોનથી શાસ્ત્રીજી મહારાજના ઘણાં પ્રસંગો વર્ણવ્યા હતા અને જણાવ્યું હતુ કે શાસ્ત્રીજી મહારાજનું જીવન દરિયા જેવું છે. હું તો જેમ જેમ સ્વામીજીનું જીવન લખતો ગયો તેમ તેમ ઉંડો ઉતરતો ગયો. ખરેખર આજે જ સ્વામીજીના જીવન ચરિત્રનું લખાણ પૂર્ણ થયેલ છે. સમગ્ર પુસ્તક ૨૫૦૦ પાનાનુ થશે. તમામ લખાણ શાસ્ત્રીજી મહારાજને ચરણે અર્પણ કરતા અત્યંત આનંદ અનુભવું છું.

      આ પ્રસંગે પ.પૂ.ધ.ધુ. ૧૦૦૮ વડતાલ પીઠાધિપતિ આચાર્ય મહારાજ શ્રી રાકેશપ્રસાદજી મહારાજે ટેલિફોનથી આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે આજ અષાઢી બીજ રથયાત્રાનો દિવસ, તેમાંય ગુરુકુલના આદ્ય સંસ્થાપક શાસ્ત્રી  શ્રી ધર્મજીવનદાસજી સ્વામીની ૧૨૦મી જન્મજયંતીનો દિવસ, જે શાસ્ત્રીજીએ સંપ્રદાયને જે સર્વ પ્રથમ ગુરુકુલ પરંપરાની ભેટ આપી છે તે અમૂલ્ય છે.

    શાસ્ત્રીજીએ નજીવા લવાજમાં હજારો જરુરિયાત મંદ વિદ્યાર્થીઓને જે સંસ્કાર સભર શિક્ષણ આપેલ છે, તે પ્રશંસનીય છે.

 શાસ્ત્રી  સ્વામીએ સંસ્કારી વિદ્યાર્થીઓ તો તૈયાર કર્ચા  પણ સાથે સાથે  સ્ત્રી ધનના ત્યાગી, નિયમમાં સારધાર, વિદ્વાન, કર્મઠ અને જ્ઞાની ધ્યાની સંતો ભેટ આપ્યા તે અમૂલ્ય છે. ખરેખર આજે ગુરુકુલની શાખા અને પ્રશાખા વટવૃક્ષ બની છે. આપણા ૫૦૦ પરમહંસોએ જે રીત પ્રસરાવી છે તે માર્ગે ગુરુકુલના સંતો ચાલી રહ્યા છે. ગુરુકુલો દ્વારા અનેક મંદિર તૈયાર કરાવી તેનો દસ્તાવેજ દેવને નામે અર્પણ કરાવવામાં આવે છે. આવા કપરા કાળમા પણ એસજીવીપી ગુરુકુલ દ્વારા  સ્વાસ્થ્ય, પર્યાવરણ જેવા અનેક સામાજિક કાર્યો થઇ રહ્યા છે તેના અમે સાક્ષી છીએ

     આ પ્રસંગે પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી અને પુરાણી ભક્તિપ્રકાશદાસજી સ્વામીએ સ્વામીજીના જીવનના અનેક પ્રસંગો વર્ણવ્યા હતા. સભાનું સંચાલન ભાનુભાઇ પટેલે સુપેરે સંભાળ્યું હતું.

(1:30 pm IST)