Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

ઘાયલ વાનરની સારવાર માટે બેભાન કરવા ઇંજેક્શનના રૂ, 5000 કોણ આપશે ? : ઝૂ ઓફિસેથી પોલીસને પૂછ્યો સવાલ

મીઠાખળી પાસે ઈજાગ્રસ્ત વાનર માટે પોલીસે ફોન કર્યો : જંગલખાતાનો પણ ઉડાવ જવાબ મળ્યો

અમદાવાદઃનવરંગપુરામાં મીઠાખળી સર્કલ પાસે ઘાયલ કપિરાજની સારવાર કરાવવા માટે કાંકરિયા ઝૂની ઓફિસમાં ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીએસઓએ ફોન કર્યો હતો. તે સમયે સામે છેડે બોલતા અધિકારીએ જણાવ્યું કે, કપિરાજ (વાંદરા)ની સારવાર માટે તેણે પકડવા બેહોશ કરવો પડે જે માટેનું ઇન્જેક્શન રૂ.5 હજારનું આવે છે. એ પૈસા કોણ આપશે ? આ સવાલથી પોલીસ કર્મચારી હેબતાઈ ગયા હતા. સરકારી એજન્સી પાસે ઇન્જેક્શનના રૂપિયા ન હોવાથી આખરે જંગલ ખાતાને આ બાબતે જાણ કરાઈ છે.

નવરંગપુરામાં મીઠાખળી સર્કલ પાસે આવેલા ટ્રાફીક બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પોલીસ સ્ટેશન ઓફીસર તરીકે ફરજ બજાવતા નરેન્દ્રસિંહનું ધ્યાન ઈજાગ્રસ્ત કપિરાજ પર પડ્યું હતું. કપિરાજના મોં માં તૂટેલા દાંત અને ઈજા તેમજ ગળા પર ગંભીર ઈજા જોવા મળી હતી. ગળાના ભાગે રીતસર કાણું પડેલું હતું

નરેન્દ્રસિંહએ વાઈલ્ડ લાઈફમાં ફોન કરતા ટીમના સભ્યો આવ્યા હતા. જોકે તે લોકો સારવાર કરવા નજીક પહોંચ્યા તો કપિરાજ (વાંદરો) ડરથી ઝાડ પર ચડી ગયો હતો.
મેમ્બરોએ કપિરાજને પકડવા માટે કાંકરિયા ઝૂની ઓફીસે ફોન કર્યો હતો. તે દરમિયાન મેમ્બરના ફોનથી નરેન્દ્રસિંહએ વાત કરી તો ઝૂના અધિકારીએ કપિરાજને બેભાન કરવાનું ઇન્જેક્શન રૂ.5 હજારનું આવે છે. તેના પૈસા કોણ આપશે તમે આપશો ? આ સવાલ સાંભળી પોલીસ જવાન હેબતાઈ ગયા હતાં. આખરે ના છૂટકે ઇજાગ્રસ્ત કપિરાજની સારવાર માટે વાઈલ્ડ લાઈફ ટીમ અને પોલીસે જંગલ ખાતાને ફોન કર્યો હતો. તે લોકોએ બીજા કોલ પતાવીને આવીશું તેવો જવાબ આપ્યો હતો.
રાજ્ય સરકાર દ્વારા સરકારી વિભાગોને પ્રાણીઓની લાખો રૂપિયા ફંડ જાહેર કરતી હોય છે તે ફંડ જાય છે કયાં તેવી ચર્ચા પોલીસ સ્ટેશનમાં શરૂ થઈ હતી

(10:51 pm IST)