Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

અમદાવડાના નારોલમાં 3500ની ઉઘરાણી માટે બે વર્ષની બાળકીનું ચોકલેટના બહાને અપહરણ

આરોપીની શરત --પૈસા આપી જાવ ને બાળકી લઈ જાવ.”: પોલીસે આરોપીને છટકું ગોઠવી ઝડપી લીધો

અમદાવાદઃ નારોલ વિસ્તારમાં રૂ.3500ની રકમની ઉઘરાણી વસૂલવા માટે આરોપીએ ચોકલેટ અપાવાનાં બહાને 2 વર્ષની બાળકીનું અપહરણ કર્યુ હતું. બાળકીનાં પિતાએ આરોપી પાસેથી જરૂરિયાતમંદ પાડોશીને  4 હજાર અપાવ્યા હતાં. જેમાંથી રૂ. 3500 બાકી હતાં. આરોપીએ અપહરણ કર્યા બાદ શરત મૂકી કે, “પૈસા આપી જાવ ને બાળકી લઈ જાવ.” જો કે આ બનાવને પગલે પોલીસે આરોપીને છટકું ગોઠવી ઝડપી લીધો હતો.

નારોલ શાહવાડી ખાતે રહેતા દુર્ગેશસિંગ સુગ્રીવસિંગ સિંગ તેમનાં પત્ની, ત્રણ બાળકીઓ સાથે રહે છે. દુર્ગેશસિંગનાં પાડોશી જયરાજ વાઘેલાને પૈસાની જરૂરિયાત ઉભી થઈ હતી. દુર્ગેશસિંગએ સફાદ્દીન ઉર્ફ સમીર બાજુદ્દીન રાયને વાત કરી હતી. 15 દિવસ પહેલાં સફાદ્દીનએ જયરાજને રૂ.4 હજાર આપ્યા હતાં. જેમાંથી રૂ.500ની રકમ જયરાજે પરત ચૂકવી હતી. પગાર થયો ન હોવાથી જયરાજ રૂ.3500 ચૂકવી શક્યો ન હતો. આથી સફાદ્દીન ફોન કરીને દુર્ગેશસિંગ પાસે પૈસા માટે ઉઘરાણી કરતો હતો. દુર્ગેશસિંગએ પૈસા થઈ જશે તેમ જણાવ્યું હતું.

રવિવારે દુર્ગેશસિંગ મજૂરી કામે ગયો હતો. તે સમયે સવારે 8 વાગ્યે આરોપી તેમનાં ઘરે પૈસાની ઉઘરાણી માટે પહોંચ્યો હતો. દરમિયાન દુર્ગેશસિંગની પત્ની પાસેથી 2 વર્ષની પુત્રીને ચોકલેટ અપાવવાના બહાને આરોપી તેના ઘરેથી લઈને નીકળી ગયો હતો. દુર્ગેશસિંગની પત્નીને એમ હતું કે હમણાં સમીર બાળકીને મોકલી દેશે. જો કે દીકરી ઘરે આવી ન હોતી. આથી પત્નીએ આ બનાવની જાણ પતિ દુર્ગેશસિંગને કરી હતી.

દુર્ગેશસિંગએ આરોપી સમીરને ફોન કરતા તેણે પૈસા આપી જાવ ને દીકરી લઈ જાવ એવો જવાબ આપ્યો હતો. આ બનાવ અંગે નારોલ પોલીસને જાણ કરવામાં આવી હતી. આરોપી સમીરને રખિયાલ પેટ્રોલ પંપ પાસે પૈસા આપવાનાં બહાને બોલાવ્યો હતો. નારોલ પોલીસે આરોપીને પકડી 2 વર્ષની બાળકીને મુક્ત કરાવી હતી. નારોલ પીઆઈ એસ.એ.ગોહીલએ જણાવ્યું હતું કે, “મૂળ બિહારનાં વતની એવા સફાદ્દીનને અટક કરી પોલીસ નજર હેઠળ રાખવામાં આવ્યો છે. બાળકીનાં અપહરણના ગુનામાં તેની સામે કાર્યવાહી કરી છે.”

(7:10 pm IST)