Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

કોરોના સંક્રમણને પગલે અમદાવાદથી વડોદરા- ભરૂચ એસ.ટી બસ સેવા બંધ કરાઈ : તંત્ર એલર્ટ

અમદાવાદથી સુરત આવતી-જતી એસ.ટી બસ સેવા પણ બંધ

અમદાવાદઃ રાજ્યમાં કોરોના સંક્રમણ વધ્યું છે રોજ 800થી વધારે કેસો સામે આવી રહ્યાં છે. ત્યારે  એસ.ટી વિભાગે કોરોના સંક્રમણનાં વધતા જતા કેસોને ધ્યાનમાં રાખી અમદાવાદથી વડોદરા અને અમદાવાદથી ભરૂચની એસ.ટી બસ સેવા બંધ કરી દેવામાં આવી છે.

હાલમાં સતત કોરોનાનાં કેસ વધી રહ્યાં છે. જો કે અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ ઘટ્યું છે પરંતુ સુરતમાં કોરોના સંક્રમણ કેસો વધતા થોડાં દિવસ પહેલાં જ એસ.ટી વિભાગે અમદાવાદથી સુરત અને સુરતથી અમદાવાદ આવતી-જતી એસ.ટી બસ સેવાને બંધ કરી દીધી છે. ત્યારે એસ.ટી વિભાગે કોરોના સંક્રમણને અટકાવવા માટે વધુ એક મહત્વનો નિર્ણય કર્યો છે. એસ.ટી વિભાગે અમદાવાદથી વડોદરા અને અમદાવાદથી ભરૂચની બસ સેવા બંધ કરી દેવામાં આવી છે.

 

અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં સુરતમાં કોરોનાનાં કેસ વધતાં અમદાવાદ તંત્ર દ્વારા સુરતથી આવતા તમામ લોકોનું ચેકિંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉપરાંત સુરતથી અમદાવાદ આવતી-જતી એસ.ટી બસનું સંચાલન બંધ કરી દેવામાં આવ્યું છે. જેને કારણે અમદાવાદમાં પણ કોરોના સંક્રમણનું પ્રમાણ ઘટી જાય.

તમને જણાવી દઇએ કે રાજ્યમાં છેલ્લાં 4 દિવસથી સતત 800થી પણ વધારે નવા કેસો એક દિવસમાં સામે આવ્યાં છે. નોંધાયેલા આંકડાઓમાં છેલ્લાં 24 કલાકમાં 879 કેસ આવ્યાં હતાં. જ્યારે કોરોનાને કારણે બાદ કોરોનાનાં દર્દીઓની કુલ સંખ્યા ગુજરાતમાં વધીને 41,906 થઇ ગઇ છે. 13 લોકોનાં મોત થયાં છે. કુલ મૃત્યુઆંક 2047 થઇ ગયો છે. જ્યારે અત્યાર સુધીમાં રાજ્યમાં કોરોનાથી 29198 દર્દીઓ સ્વસ્થ થઇ પરત ઘરે ફર્યા છે.

ગઇ કાલ રવિવારનાં રોજ સાંજ સુધીમાં ગુજરાત સ્વાસ્થ્ય વિભાગ તરફથી રજૂ કરવામાં આવેલા આંકડાઓ અનુસાર ગુજરાતમાં 24 કલાકમાં રાજ્યમાં નવા 879 કેસ નોંધાયા છે. જ્યારે આ જ સમયગાળામાં વધુ 13 દર્દીનાં મોત થયા છે. આમ રાજ્યમાં કોરોનાનાં કેસોનો કુલ આંક 41,906 પર પહોંચ્યો છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 2047 એ પહોંચ્યો છે. આરોગ્ય વિભાગની માહિતી પ્રમાણે રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 513 દર્દીઓ સારવાર લઈને સાજા થયા છે. તેની સાથે સાજા થયેલા દર્દીઓની સંખ્યા 29,189 પહોંચી છે. જ્યારે 10661 એક્ટિવ કેસો રાજ્યમાં છે.

(6:54 pm IST)