Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

વલસાડ જિલ્લામાં કોવિદ-૧૯ની કામગીરીની સમીક્ષા કરતા અધિક મુખ્‍યસચિવ પંકજકુમાર

બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક સુનિલ જોષી, મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારી, સિવિલ સર્જન સહિત અમલીકરણ અધિકારીઓ હાજર રહ્યા હતા

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ જિલ્લામાં વધી રહેલા કોરોના સંક્રમણને લક્ષમાં લઇને રાજ્‍યના મહેસૂલ વિભાગના અધિક મુખ્‍ય સચિવ પંકજકુમારે કલેક્‍ટકર કચેરીના સભાખંડ ખાતે જિલ્લાના અમલીકરણ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં અધિક મુખ્ય સચિવ પંકજકુમારે જિલ્લામાં કોરોના અંગેની ઝીણવટભરી માહિતી મેળવી હતી. જિલ્લામાં કોવિદ-૧૯ના બેડની સંખ્‍યા ભવિષ્‍યમાં પડનારી જરૂરિયાતને ધ્‍યાને રાખીને વ્‍યવસ્‍થા કરવા, હોસ્‍પિટલમાં વેન્‍ટીલેટર, આઇસોલેશન બેડ,ઓક્‍સિજનની જરૂરિયાત, આઇ.સી.યુ.ની વ્‍યવસ્‍થા અને સવલત, સર્વેલન્‍સ ટીમની કામગીરી, ડૉક્‍ટર્સની વ્‍યવસ્‍થા, કન્‍ટેઇનમેન્‍ટ, માઇક્રો કન્‍ટેઇનમેન્‍ટ ઝોન, પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરી હતી.

   પંકજકુમારે અમલીકરણ અધિકારીઓને કોવિદ-૧૯ની ગાઇડલાઇન અનુસાર કામગીરી કરવા, લોકો સોશ્‍યિલ ડિસ્‍ટન્‍સનું ચુસ્‍તપણે પાલન કરે, માસ્‍ક ફરજિયાત પહેરે તે માટે કડક અમલવારી કરાવવા, કોવિદ-૧૯ના કોઇપણ દર્દી બેડ વગર ના રહેવું પડે તેવી વ્‍યવસ્‍થા ગોઠવવા, સર્વેલન્‍સ કામગીરી ઉપર સુપરવિઝન કરી ક્રોસ વેરીફિકેશન કરવા, માઇક્રોપ્‍લાનિંગ કરવા સાથે માઇક્રો ડેટા તૈયાર કરવા અને આયુર્વેદિક ઉકાળા, શંમશમનીવટી અને આર્સેનિક આલ્‍બનનો સંપર્ક ડોઝ લોકોને મળે તેનું ધ્‍યાન રાખવા જણાવ્‍યું હતું

  .જિલ્લા કલેક્‍ટર આર.આર.રાવલે જિલ્લાની પરિસ્‍થિતિનો ચિતાર આપ્‍યો હતો. જિલ્લા વિકાસ અધિકારી અર્પિત સાગરે પ્રેઝન્‍ટેશન દ્વારા જિલ્લામાં કોવિદ-૧૯ અંતર્ગત થયેલી કામગીરીથી વાકેફ કર્યા હતા. આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક સુનિલ જોષી, મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારી, સિવિલ સર્જન સહિત અમલીકરણ અધિકારીઓ હાજર રહ્યા હતા.

(6:27 pm IST)