Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

કોરોના સંક્રમણ વધતાં રાજપીપળા પોલીસ દ્વારા માસ્ક વગર ફરતા લોકો સામે લાલ આંખ :એક જ દિવસમાં ૩૭ હજારનો દંડ ફટકાર્યો

જોકે પોલીસ ખડે પગે સતત મહેનત કરે છે છતાં કેટલાક બે જવાબદાર લોકોને કઈ પડી નથી ત્યારે કડકાઈ જરૂરી

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : નર્મદા જિલ્લામાં કોરોનાના કેસ વધતા નર્મદા પોલીસ પણ કડક બની છે જેમાં નર્મદા પોલીસ વડા હિમકરસિંહની સૂચના બાદ ટાઉન પીએસઆઇ એમ.બી.વસાવા અને રાજપીપળા પોલીસની ટીમે રવિવારે એકજ દિવસ માં માસ્ક વગર બિન્દાસ ફરતા લોકો પણ બાઝ નજર રાખી લાલ આંખ કરી એકજ દિવસ માં ૩૭૦૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
  જોકે અગાઉ લોકડાઉન માં પણ પોલીસ સતત ખડે પગે રહી લોકોની સલામતી ખાતર કાયદાનો કડક અમલ કરાવતી હતી છતાં લોકો માં જાગૃતિ ન આવતા હાલ સરકાર દ્વારા થોડીક છૂટછાટ મળતા કોરોના વાયરસ ને ભૂલી બેફીકર બની લોકો ફરી બિન્દાસ બન્યા હોય જેના કારણે જિલ્લામાં કોરોના ના કેસ વધતા રવિવારે રાજપીપળા પોલીસે માસ્ક વગર ફરતા લોકો ને પકડી રૂ.૩૭૦૦૦ નો દંડ ઠોકતા અન્યો માં ફફડાટ જરૂર ફેલાયો હતો.ત્યારે પ્રજા પણ પોતાની જવાબદારી સમજી કાયદાનો અમલ કરે એ સૌના સ્વાસ્થ્ય માટે હિતાવહ છે.
કોરોના વાઈરસ નું સંક્રમણ અને કોવિડ -૧૯ ના કેસો હાલ વધતા રાજપીપળા પોલીસ દ્રારા લોકો માં જાગૃતિ આવે અને લોકો ફરજિયાત માસ્ક પહેરે એ બાબતે જાગૃતિ લાવવા ફરી આ અભિયાન હાથ ધરાયુ છે.

(6:23 pm IST)