Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

સ્ટેન્ડઅપ કોમેડિયન અગ્રીમાં જોશુઆને દુષ્કર્મની ધમકી આપનારા શુભમ મિશ્રાની વડોદરામાં અટકાયત

સ્વરા ભાસ્કર અને કૃણાલ કામરાએ મહિલા આયોગમાં કરી ફરિયાદ

મુંબઈ: સ્ટેન્ડઅપ કૉમેડિયન અગ્રિમા જોશૂઆને દુષ્કર્મની ધમકી આપનારા શુભમ મિશ્રા વિરુદ્ધ પોલીસે ફરિયાદ દાખલ કરી છે. વડોદરા પોલીસે  શુભમની અટકાયત કરી છે. શુભમ વિરુદ્ધ IPC અને IT એક્ટની વિવિધ કલમો હેઠળ ફરિયાદ દાખલ કરી છે. શુભમ મિશ્રા એક વીડિયોમાં કૉમેડિયનને ધમકી આપી રહ્યો છે અને તેના વિરુદ્ધ અપશબ્દો બોલી રહ્યો છે.

અગ્રિમા જોશૂઆનો તાજેતરમાં જ એક જૂનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં તે છત્રપતિ શિવાજીના સ્ટેચ્યૂ પર બોલી રહી છે. એક વર્ષ જૂના આ વીડિયોને લઈને અગ્રિમા પર આરોપ મૂકવામાં આવ્યો છે કે, તેણે છત્રપતિ શિવાજી મહારાજનું અપમાન કર્યું. જે બાદ તેને સોશિયલ મીડિયા પર ધમકીઓ મળવા લાગી છે.

જો કે અગ્રિમાએ આ વીડિયો પોતાની ટાઈમલાઈમાંથી હટાવી લીધો છે અને આ માટે મહારાષ્ટ્ર સરકારના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, રાજ્યના ગૃહમંત્રી અનિલ દેશમુખ, MNS ચીફ રાજ ઠાકરે અને નીતિન રાઉત સહિત તમામ લોકોની માફી પણ માંગી હતી.

યુટ્યૂબર શુભમ મિશ્રા સોશિયલ મીડિયામાં ખૂબ જ લોકપ્રિય છે. તેણે અગ્રિમા જોશૂઆ વિરુદ્ધ છત્રપતિ શિવાજી મહારાજની મજાક ઉડાવવાનો આરોપ લગાવતા એક વીડિયો અપલોડ કર્યો હતો. આ વીડિયો પર અનેક લોકોએ વાંધો ઉઠાવ્યો હતો અને આરોપ મૂક્યો કે, શુભમે અગ્રિમાને દુષ્કર્મની ધમકી આપી હતી.

સોશિયલ મીડિયા પર અભિનેત્રી સ્વરા ભાસ્કર, કૉમેડિયન કૃણાલ કામરા સહિત અનેક યુઝર્સે મહિલા આયોગ સમક્ષ આ શખ્સ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી હતી

અગ્રિમા જોશૂઆએ એપ્રિલ 2019માં મુંબઈના ખારમાં એક કેફેમાં પરફોર્મ કર્યું હતું. આ વીડિયોમાં તે મુંબઈમાં બનનારી છત્રપતિ શિવાજી મહારાજના સ્ટેચ્યુને લઈને અફવા પર જોક કરી હતી. જોશૂઆ જોકમાં કહે છે કે, આ શિવાજી સ્ટેચ્યૂ વડાપ્રધાન મોદીનો માસ્ટર સ્ટ્રોક છે. જેમાં સોલર સેલ્સ હશે, જે સમગ્ર મહારાષ્ટ્રને વીજળી પૂરી પાડશે.

આ વીડિયો વાયરલ થયા બાદ ફેસબુક અને ટ્વીટર પર અનેક યુઝર્સે કેફોના કર્મચારીઓની ડિટેઈસ શેર કરવાનું શરૂ કરી દીધુ. જે બાદ MNSના કાર્યકર્તાઓએ કેફેમાં તોડફોડ કરી હતી

(1:55 pm IST)