Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

અમદાવાદમાં માસ્ક ન પહેરે કે જાહેરમાં થુંકે તેને રૂ.૫૦૦ દંડ

સરકારે રૂ. ૨૦૦ દંડ જાહેર કર્યો છે, કોર્પોરેશનને રૂ. ૩૦૦ વધાર્યા : પાનના ગલ્લા પાસે ગંદકી થાય તો ગલ્લાવાળાને રૂ. ૧૦ હજાર દંડ

ગાંધીનગર,તા. ૧૩: અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે લેવાઇ રહેલ શ્રેણીબધ્ધ પગલાઓની સમીક્ષા માટેની બેઠક આજરોજ સાબરમતી રીવર ફન્ટ હાઉસ ખાતે યોજાઇ હતી. આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનરશ્રી મુકેશકુમાર આઇ.એ.એસ જુદા જુદા ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ઉપસ્થિત રહ્યા હતા.

 અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણ અટકાવવાના પ્રયાસોમાં લોકો દ્વારા ઘરની નીકળતી વખતે ફરજીયાતપણે માસ્ક ધારણ કરવામાં આવે અને જાહેરમાં થુંકવામાં ન આવે તે બાબતો અતિ મહત્વની છે. આ અંગે લોકોને જાગૃત કરવા માટે વ્યાપક પ્રમાણમાં પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો છે. અને પાલન નહીં કરનાર પાસેથી રૂ. ૨૦૦નો દંડ પણ કરવાનું નકકી કરવામાં આવેલ છે. આનુ કડક પાલન કરાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ શહેર પોલીસ તંત્ર દ્વારા સઘન ઝુંબેશ ચલાવીને લગભગ ૧.૭૨ લાખ લોકો પાસેથી દંડ વસુલવામાં આવેલ છે. અને માત્ર જુલાઇ મહિનામાં જ ૯૪ જેટલા એકમોને સીલ કરવામાં આવેલ છે.

અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા  ખુબ નિયંત્રણ થયેલ છે. નિયંત્રણની આ પરિસ્થિતી જાળવી રાખવા માટે લોકો દ્વારા ફરજિયાત માસ્ક પહેરવામાં આવે, જાહેરમાં થુંકવામાં ન આવે અને સામાજીક અંતર જાળવવામાં આવે તે જ મુખ્યત્વે કારગત ઉપાયો છે. વડાપ્રધાનશ્રી અને મુખ્યમંત્રીશ્રી દ્વારા પણ આ અંગે વખતોવખત ભાર મુકવામાં આવેલ છે. આમ છતાં કેટલાંક લોકો દુર્ભાગ્યપૂર્ણ રીતે આ નિયમોનું પાલન કરતા નથી. હજુ પણ માસ્ક વિના બહાર નીકળવાની વૃતિ લોકોમાં ઘણા મોટા પ્રમાણમાં જોવા મળી છે. જે જન આરોગ્ય માટે જોખમી છે. આથી ચર્ચા -વિચારણાના અંતે માસ્ક નહીં પહેરવા બદલ અને જાહેરમાં થુંકવા બદલ હાલ જે રૂ. ૨૦૦ દંડ વસુલવામાં આવ છે તે વધારીને રૂ. ૫૦૦ કરવાનું નકકી કરવામાં આવ્યું. વધુમાં જો પાના ગલ્લા પાસે ગ્રાહકો દ્વારા જાહેરમાં થુકવાની પ્રવૃતિ થતી જણાય તો જે પાનના ગલ્લાવાળા પાસેથી રૂ. ૧૦,૦૦૦ નો દંડ વસુલવાનું નકકી કરવામાં આવ્યું તેમ અધિક મુખ્ય સચિવ અને અમદાવાદ કોપોરેશનના ઇન્ચાર્જ ડો. રાજીવ ગુપ્તા જણાવે છે.

(3:11 pm IST)