Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

ગુજરાત સરકાર અને સંગઠનની કામગીરી અંગે સર્વે : એક-એકને રૂબરૂ બોલાવી સાંભળતા વી. સતિષ

કયાં શું ચાલી રહ્યું છે ? તેનો અહેવાલ તૈયાર થાય છે : રાજકીય રીતે સૂચક ગતિવિધિ

રાજકોટ તા. ૧૩ : ભાજપના રાષ્ટ્રીય સહસંગઠન મંત્રી શ્રી વી.સતિષે છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં મુકામ કર્યો છે. તેઓ રાજ્યના વિવિધ વિસ્તારોના પાર્ટીના પસંદગીના આગેવાનોને બોલાવી રહ્યા છે. સરકાર અને સંગઠનની કામગીરી તથા લોકમાનશમાં છાપ વિશે તેઓ પૂછી રહ્યા છે.

વિધાનસભ્ય બેઠકોની પેટાચૂંટણી અને તાલુકા - જિલ્લા પંચાયતોની ચૂંટણીને ધ્યાને રાખીને આ કસરત શરૂ કરવામાં આવ્યાનું મનાય છે. સમગ્ર ચિતાર મેળવીને કેન્દ્રીય નેતાગીરીને તેનાથી વાકેફ કરવામાં આવશે. હાલના સંજોગોમાં સામાન્ય પ્રકારની પૂછપરછ કરતા આ અલગ પ્રકારનો સર્વે હોવાનું ભાજપના વર્તુળો જણાવે છે. વ્યકિતગત રીતે એક એકને મળતા હોવાથી અપેક્ષિત દરેક આગેવાનને પેટછુટી વાત કરવાની તક મળે છે.

એક અહેવાલ એવા પણ મળી રહ્યા છે કે, ભાજપની સંગઠન પર્વની કામગીરી કોઈપણ કારણે ખોરંભે ચડેલી છે. આવા સંજોગોમાં અત્યારે સરકાર અને સંગઠનમાં બધું બરાબર નથી ચાલતું એ વાત જગ જાહેર છે. બીજી તરફ જે પ્રમાણે કોરોનાનો કહેર છે જેનાથી સરકાર અને સંગઠન બંનેની આબરૂ દાવ પર છે. સરકાર અને સંગઠન વચ્ચે તાલમેલનો અભાવ છે તેવી છાપ દ્રઢ થતી જાય છે.

 કોરોના મહામારી વચ્ચે પણ ગણ્યા ગાંઠ્યા નેતાઓ જ પ્રજા વચ્ચે જોવા મળ્યા હતા. આ તમામ બાબતો એવી છે જેની અસર લાંબા ગાળે ભાજપ પર થશે. તો સરકારની કામગીરી જે છે તે પ્રજા સુધી પહોંચે છે કે નહિ? તે બાબતે પણ માહિતી મેળવાઇ રહી છે. વી.સતિષના અહેવાલના આધારે આગળના પગલા આવી શકે છે.

વી સતીશ એક અઠવાડિયાથી ગુજરાતમાં છે અને નેતાઓ સાથે બેઠક કરી રહ્યા છે. સૂત્રો કહી રહ્યા છે કે તેમનો આ પ્રવાસ ખૂબ મોટો છે. આ કારણે ભાજપમાં નવા જુનીના એંધાણ વર્તાઈ રહ્યા છે. કેન્દ્ર સરકારની સેવા હી સંગઠનની કામગીરીનું પ્રેઝન્ટેશન પણ વી સતીશે જોયું હતું. તમામ મોરચે તે સેન્સની કામગીરી કરી રહ્યા છે. કેટલાક નેતાઓ એ પણ જણાવી રહ્યા છે કે વી સતીષને મહારાષ્ટ્ર જવાનું હતું પરંતુ ત્યાં લોકડાઉન છે જેના કારણે તે અહીં રોકાયા છે.

(11:55 am IST)