Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

આરોગ્યમંત્રી કુમાર કાનાણીના પુત્રની ધરપકડ બાદ છુટકારો

સુનીતા યાદવ-મંત્રીના પુત્ર તથા મિત્રો વચ્ચે થયેલો સંઘર્ષનો મામલો : વરાછા પોલીસે મંત્રીના પુત્ર સામે કર્ફ્યુંના જાહેરનામાં ભંગ, એપેડમિક એક્ટના ભંગનો ગુનો દાખલ કર્યાે હતો : બધાની ધરપકડ કરી જામીન પર મુક્ત કરાયા

સુરત, તા. ૧૨ : સુરત પોલીસમાં ફરજ બજાવતી મહિલા લોકરક્ષક સુનીતા યાદવ અને આરોગ્ય રાજ્યમંત્રી કુમાર કાનાણીના પુત્ર તથા મિત્રો વચ્ચે થયેલી માથાકૂટના મુદ્દે નવો વળાંક આવ્યો છે, જેમાં વરાછા પોલીસ મંત્રીના પુત્ર વિરુદ્ધ કર્ફ્યુંના જાહેરનામાં ભંગ અને એપેડમિક એક્ટના ભંગનો ગુનો દાખલ કર્યાે હતો. જેમાં તમામની ધરપકડ કરી જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા. તો બીજી તરફ સમગ્ર મામલે સુરત પોલીસના એસીપી એ ડિવિઝનને તપાસ સોંપવામાં આવી છે. આ આખા મુદ્દે મંત્રી અને તેમના પુત્રનું નિવેદન પણ સામે આવ્યું છે. જેમાં સમગ્ર ઘટના પ્રિપ્લાન હોવાનો આક્ષેપ કરાયોછે.

છેલ્લા બે દિવસથી ગુજરાતભરમાં સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા સુરત પોલીસની મહિલા લોકરક્ષક સુનીતા યાદવના વિડીયોએ ભારે ચર્ચા જગાવી છે, સમગ્ર ગુજરાતમાં સુનીતા યાદવને લેડી સિંઘમ તરીકે સંબોધવામાં આવી રહી છે. ત્યારે લોકો તરફથી સુનીતા યાદવને સમર્થન મળતા આખરે સુરત પોલીસે કાર્યવાહી કરવાની ફરજ પડી છે, જેમાં વરાછા પોલીસે આરોગ્ય રાજ્ય મંત્રી કુમાર કાનાણીના પુત્ર પ્રકાશ કાનાણી વિરુદ્ધ કર્ફ્યું અને એપેડમિક એક્ટના ભંગનો ગુનો દાખલ કર્યાેછે.

ઘટના અંગે એસીપી એ ડિવિઝન સી કે પટેલે જણાવ્યું હતું કે વરાછા પોલીસ દ્વારા આઈપીસી 188, 269, 270 અને 114 મુજબ ેપ્રકાશ અને અન્ય મિત્રની અટકાયત કરી છે. તમામ લોકો ગુરુવારની રાત્રે કર્ફ્યુના સમયમાં ઘરની બહાર નીકળ્યા હતાં. તો મહિલા એલઆર દ્વારા કરવામાં આવેલી વર્તણુક અંગેની તપાસ પણ શરૂ કરવામાં આવી છે. જેમાં સાક્ષીઓના નિવેદન લેવામાં આવી રહ્યાં છે.

આ સમગ્ર ઘટના જેની સાથે બની છે, તે મહિલા એલઆર હાલ સીક લિવ પર ઉતરી ગયા હોવાનું પણ સી. કે. પટેલે જણાવ્યું હતું. જોકે ત્યારબાદ પ્રકાશ કાનાણી અને તેમના મિત્રોની વરાછા પોલીસે ધરપકડ કરી જામીન પાત્ર ગુનો હોવાથી પોલીસ મથકમાંથી જામીન આપવામાં આવ્યા હતાં.

મહિલા લોકરક્ષક સુનિતા યાદવ સાથે થયેલી માથાકૂટ બાદ મીડિયા સાથેની વાતચીતમાં આરોગ્ય રાજ્યમંત્રી કુમાર કાનાણીએ કહ્યું હતું કે જ્યારે આખી ઘટના બની અને તેના ઓડિયો વાઈરલ થયો ત્યારે એક તરફ વાત કરવામાં આવી રહી હતી. આ ઓડિયો એડિટ કરીને બનાવવામાં આવ્યો હોવાનું હું પહેલેથી જ કહેતો આવ્યો છું, કારણ કે હવે જે વિડીયો અને ઓડિયો સામે આવ્યા છે, તેમાં એ પોલીસકર્મી કયા પ્રકારની અભદ્ર ભાષા મારા દીકરા, મને અને મારા પરિવારને કહે છે, તે દેખાય અને સંભાળ છે, પ્રધાનમંત્રી અંગે પણ તેમને ઉલ્લેખ કર્યાેે છે. આખા વિડીયોમાં મારો પુત્ર કઈ રીતે વર્તી રહ્યો છે તે દેખાય છે, સામે પક્ષે સતત ઉગ્રતા દેખાય રહી છે.

કુમાર કાનાણીએ આગળ જણાવ્યુ કે મારા દિકરાએ મને ફોન કર્યાેે પછી એ પોલીસકર્મી સાથે વાત કરી, એ તમામ બાબત વિડીયોમાં દેખાય છે, મેં મહિલા પોલીસકર્મીને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, જો મારા દિકરાએ ગુનો કર્યાેે હોય તો તમે કાર્યવાહી કરી શકો છો. પરતું તે મહિલા પોલીસકર્મી સતત બેહુદુ વર્તન કરી અપશબ્દો બોલી રહ્યા છે, મારી મીડિયાને વિનંતી છે, મારા દિકરાનો ઓડિયો અને વિડીયો તમે બતાવ્યો છે, તો હવે એ પોલીસકર્મીનો પણ ઓડિયો અને વિડીયો બતાવો એટલે ખબર પડે કે સાચી હકીકત શું છે, અત્યારે પણ મારા દિકરા સામે ગુનો દાખલ કરી કાર્યવાહી કરવી હોય તો પોલીસ કરી શકે છે, પોલીસ તપાસ કરે છે, મેં કોઈને પણ કાર્યવાહી કરતા રોક્યા નથી. પરતું સમગ્ર ઘટનાનું મૂલ્યાંકન થવું જોઈએ.

           તેમણે વધુમાં જણાવ્યુંુ કે, આ એવી ઘટના નથી, કે ખૂબ ગંભીર બાબત હોય, મારો દીકરો બુટલેગર, મોટો ક્રિમિનલ કે ભાગેડુ આરોપી નથી, મહત્વની વાત એ છે કે મારો દિકરો ઘટના સ્થળે જાય છે ત્યાંથી લઈને તેને પરત ફરે છે ત્યાં સુધીનું શુટિંગ કરવામાં આવે છે, પછી એડિટ કરી ટુકડા સોશિયલ મીડિયામાં ફરતા કરવામાં આવ્યા છે, મારું અને પોલીસ અધિકારીઓનું ફોન રેકોર્ડિંગ વાઈરલ કરાયું છે. રાજીનામું આપવાની બાબત સ્ટંટ છે, કોઈએ દબાણ નથી કર્યું રાજીનામાં બાબતે, આ બધી વાતો ખોટીછે.

             આ સમગ્ર મુદ્દે કુમાર કાનાણીને જ્યારે પૂછવામાં આવ્યું કે શું આ મહિલા પોલીસકર્મીની વર્તણુકની ફરિયાદો તેમને મળી છે, તો કાનાણીએ કહ્યુ કે એક બે નહીં પરતું અનેક ફરિયાદો મળી છે, લોકોએ મને અને ખુદ પોલીસ અધિકારીઓને ફરિયાદ કરી છે, પરતું આ મુદ્દે હું કશું પણ કહેવા માંગતો નથી કારણ કે લોકોને એવું લાગશે કે મારા પુત્ર સાથે ઘટના બની છે એટલે હું આ બધું કહી રહ્યો છું. આ સાથે જ કાનાણીએ કહ્યું હતું કે મહિલા એલઆરની જે રીતની વર્તણુક લોકો સાથે મારી સાથે અને મારા પરિવારના સભ્યો સાથે કરી છે, આ મુદ્દે તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવવી જોઈએ. મહિલા એલઆર સુનિતા યાદવ સાથે બનેલી ઘટના અંગે મંત્રી કુમાર કાનાણીના પુત્ર પ્રકાશે કહ્યું હતું કે, મને મારા મિત્રનો ફોન આવ્યો એટલે હું ત્યાં ગયો હતો, તે સમયે મહિલા પોલીસકર્મી ખુબ ગુસ્સમાં અસભ્ય ભાષામાં વાતો કરી રહ્યા હતા, મેં સતત તેમને વિનંતી કરી હતી, પરતું તેઓ કોઈપણ વાત માનવા તૈયાર ન હતા, તેમને મારા પિતા સાથે પણ વાત કરી હતી, ત્યારે પણ તેમનો વ્યવહાર અયોગ્ય હતો.

(9:45 pm IST)