Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

યુવરાજસિંહે બેરોજગાર આંદોલન સાથે છેડો ફાડ્યો

'સરકારી ભરતી મુદ્દે રાજનીતિ થઈ' : હું વિદ્યાર્થીઓની સાથે જ છું, પરંતુ જાતિવાદ સમીકરણો અને રાજકારણથી દૂર રહું છું : યુવરાજસિંહની સ્પષ્ટતા

ગાંધીનગર, તા. ૧૨ : ગુજરાતમાં સરકારી ભરતીઓમાં ચાલતી ગેરરીતિ વિરુદ્ધ આંદોલનનું નેતૃત્વ કરનારા યુવરાજ સિંહે અચાનક શિક્ષિત યુવા બેરોજગાર સમિતિમાંથી પોતાનું નામ પાછુ ખેંચી લીધુ છે. આ સાથે જ યુવરાજે ભરતી મામલે રાજનીતિ ચાલતી હોવાનો આરોપ મૂકીને આંદોલન નહી કરવાનો નિર્ણય કર્યાે છે. બેરોજગાર આંદોલનમાંથી પીછેહઠ કરનાર યુવરાજ સિંહે જણાવ્યું કે, હું વિદ્યાર્થીઓની સાથે જ છું, પરંતુ જાતિવાદ સમીકરણો અને રાજકારણથી દૂર છું.

          યુવરાજ સિંહ આંદોલનમાંથી પોતાનું નામ હટાવતા જણાવ્યું કે, કેટલાક આગેવાનો આંદોલનના નામે રાજકીય રોટલા શેકી રહ્યા છે. સરકારી ભરતીના મુદ્દાને જાતિવાદનો રંગ ન આપવો જોઈએ. ૧-૮-૧૮ના પરિપત્રના સમાધાનની વાત હતી. કેટલાક લોકો જીઈને લઈને રાજનીતિ કરી રહ્યાં છે. અમારૃં આંદોલન ચાલુ જ રહેશે અને યુવાનો માટે લડતા રહીશું. ઉલ્લેખનીય છે કે, અગાઉ પ્રવિણ રામે પણ બેરોજગાર આંદોલનમાંથી પોતાનું નામ ખેંચી લીધુ હતું. હવે યુવરાજ સિંહે આંદોલનમાંથી પોતાનું નામ હટાવી લેતા હવે

            તેઓ અને તેમના સમર્થક યુવાનો કોઈ પ્રકારના આંદોલનમાં ભાગ નહીં લે. યુવરાજ સિંહના નિર્ણય પર પ્રવિણ રામે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, યુવરાજ સિંહ દ્વારા આંદોલન સાથે છેડો ફાડવો દુઃખદ બાબત છે. એવું લાગી રહ્યું છે કે, આંદોલન તોડવાની માનસિક્તા ધરાવતા લોકો સફળ થઈ રહ્યાં છે. જણાવી દઈએ કે, વર્ષ ૨૦૧૯ના અંતમાં બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષામાં ચાલતી ગેરરીતિ મામલે વિદ્યાર્થીઓ દ્વારા ગાંધીનગરમાં ઉગ્ર આંદોલન કર્યું હતું.બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ્દ કરવાની માંગ સાથે યુવરાજ સિંહના નેતૃત્વમાં આ સમગ્ર આંદોલન ચલાવવામાં આવ્યું હતું.

(9:43 pm IST)