Gujarati News

Gujarati News

News of Saturday, 13th July 2019

ગુજરાતમાં પાણીની ગંભીર કટોકટી : ડેમ ખાલીખમ છે

હજુ સુધી માત્ર માત્ર ૨૩ ટકા જ વરસાદ થયો : હજુ અઠવાડિયા સુધી ગુજરાતમાં ચોમાસુ ફરીથી સક્રિય થવાની સંભાવના નહિવત્ : દુષ્કાળ જેવી પરિસ્થિતિ બનશે

અમદાવાદ, તા.૧૩ : વાયુ વાવાઝોડાને પગલે ગુજરાતમાં વરસાદ ખેંચાતા રાજ્યમાં પીવાના પાણી અને સિંચાઈ માટેના પાણીની ગંભીર કટોકટી ઉભી થઈ રહી હોવાની સ્થિતિ સામે આવી રહી છે. રાજયમાં હજુ સુધી ચોમાસાની સીઝનનો માત્ર ૨૩ ટકા જ વરસાદ પડયો હોવાથી પાણીની ગંભીર કટોકટી સર્જાઇ છે કારણ કે, મોટાભાગના ડેમ, નદી-નાળા ખાલીખમ છે. વળી, બીજીબાજુ, હવામાન વિભાગની આગાહી મુજબ, હજુ એક અઠવાડીયા સુધી ગુજરાતમાં ચોમાસુ ફરી સક્રિય થશે નહીં. જેથી આગામી દિવસોમાં મોટાભાગના વિસ્તારોમાં ભરચોમાસે ફરી અછત જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. આ મામલે રાજ્ય સરકારે પણ નર્મદા ડેમથી માંડીને રાજકોટના આજી ડેમથી લઈ ખારીકટ કેનાલમાં પણ છોડવામાં આવી રહ્યું છે. આમ છતાં પણ જો જુલાઈના અંત સુધીમાં રાજ્યમાં ૫૦ ટકા જેટલો વરસાદ નહીં પડે તો ભરચોમાસે દુષ્કાળ જેવી પરિસ્થિતિનું નિર્માણ થવાની દહેશત ઉભી થઇ છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં મૌસમનો કુલ ૨૩.૮૩ ટકા જ વરસાદ નોંધાયો છે. રાજ્યના ૨૫૧ તાલુકાઓમાં પડેલા વરસાદ અંગે વાત કરીએ તો ૨૯ તાલુકામાં ઝરમરથી લઈ બે ઈંચ, ૬૭ તાલુકામાં બેથી પાંચ ઈંચ, ૯૯ તાલુકામાં ૫થી ૧૦ ઈંચ, ૪૩ તાલુકામાં ૧૦થી ૨૦ ઈંચ, ૧૦ તાલુકામાં ૨૦થી ૪૦ વરસાદ પડ્યો છે. આ સિવાય ડેમોની સ્થિતિ અંગે વાત કરીએ તો રાજ્યના ૨૦૪ ડેમોમાં માંડ દોઢ ટકા જેટલો જ પાણી સંગ્રહ વધ્યો છે. ૨૦ દિવસ પહેલા ૧૭ ટકા પાણીનો જથ્થો હતો જે હાલ ૧૮.૫૪ ટકા જેટલો છે. સરદાર સરોવર ડેમમાં ૫૩.૧૭ ટકા પાણીનો જથ્થો છે. આ સિવાય સૌરાષ્ટ્રના ૧૩૯ ડેમોમાં ૭.૬૬ ટકા પાણીનો જથ્થો બચ્યો છે. કચ્છના ૨૦ ડેમોમાં ૯.૧૭ ટકા, ઉત્તર ગુજરાતના ૧૫ ડેમોમાં ૧૨.૬૯ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ ડેમોમાં ૧૫.૮૮ ટકા અને મધ્ય ગુજરાતના ૧૭ ડેમોમાં ૪૬.૧૯ ટકા પાણીનો જથ્થો બચ્યો છે. આમ સમગ્ર રાજ્યમાં મધ્ય ગુજરાતની સ્થિતિ થોડે ઘણે અંશે સારી ગણી શકાય છે. જો કે, ગુજરાતના ૨૦૪ ડેમોમાં માત્ર ૧૮ ટકા જ પાણી છે. હવામાન ખાતાના સૂત્રો મુજબ, રાજ્યમાં ભારે વરસાદ પડે તેવી હાલમાં કોઈ સીસ્ટમ એક્ટિવ નથી છે. જો કે, દમણ-દાદરા નગર હવેલી અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાતાવરણ સુકુ રહેશે. બંગાળની ખાડીમાં જો નવેસરથી લો-પ્રેશર ઉંભુ થાય અને તે સીસ્ટમ આગળ વધે તો વરસાદની સંભાવનાઓ છે. પરંતુ હાલમાં બંગાળની ખાડીમાં આ પ્રકારના કોઈ એંધાણ જોવા મળતા નથી. જો સીસ્ટમ સર્જાય તેના ૪૮થી ૭૨ કલાકમાં એકટીવ થતી હોય છે. આ તમામ બાબતો જોતાં એકાદ સપ્તાહ સુધી વરસાદની સંભાવનાઓ ઓછી છે.  ઉલ્લેખનીય છે કે, વાયુ વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો અને જૂન મહિનાના છેલ્લા સપ્તાહમાં નૈઋત્યનું ચોમાસુ બેસી જશે તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ હતી. જેથી રાજ્યના કેટલાક ભાગોમાં ખેડૂતોએ વરસાદ આધારિત વાવેતર પણ કરી દીધુ છે.

         પરંતુ એક સપ્તાહ સુધી વરસાદ નહીં થાય તો આ તમામ વાવેતર બળી જવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. જેના લીધે ખેડૂતોની ચિંતા અને મુશ્કેલી વધી છે, તેઓ મેઘરાજાની પધરામણીની આશ લગાવીને બેઠા છે.

(8:16 pm IST)