Gujarati News

Gujarati News

News of Saturday, 13th July 2019

બનાસકાંઠાના ધાનેરાના આંગણવાડી કેન્‍દ્રમાં બાળકોને અપાતા ભોજનમાં જીવાત નીકળતા હોબાળોઃ સામસામા આક્ષેપો

બનાસકાંઠાઃ બનાસકાંઠાના ધાનેરા આંગણવાડી કેન્દ્રમાં બાળકોને અપાતા ભોજનમાં જીવાત નીકળતા સ્થાનિકોએ ભારે હોબાળો મચાવ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે, વારંવાર આ બાબતે રજૂઆત કરવા છતાં બાળકોને જીવાતવાળું ભોજન અપાય છે. જેના કારણે બાળકો બિમાર પણ પડતા હોય છે. સમગ્ર મામલે તેડાગર અને સંચાલકોએ એકબીજા ઉપર આક્ષેપો લગાવતા હોબાળો મચી ગયો છે.

ધાનેરાના આંગણવાડી કેન્દ્રમાં શનિવારે બાળકોને આપવામાં આવતા ભોજનમાં ચણાની અંદરથી જીવાતો નીકળતા વાલીઓ અને સ્થાનિકોએ ભારે હોબાળો મચાવ્યો છે. આ અગાઉ પણ કેટલીય વાર આવી રીતે બાળકોના ભોજનમાં જીવાતો નીકળવાના અને તેના કારણે બાળકો બિમાર પડવાના બનાવો બન્યા હોવાના આક્ષેપો વાલીઓએ કર્યા છે.

વાલીઓના જણાવ્યાનુસાર ધાનેરા આંગણવાડી કેન્દ્રમાં છેલ્લા કેટલાય સમયથી બાળકોને જીવાતવાળું ભોજન આપવામાં આવતું હોવાથી બાળકો બિમાર પડતા હોય છે.

આ બાબતે તેમને વારંવાર રજૂઆત કરી હોવા છતાં પણ શનિવારે ફરી બાળકોના ભોજનમાં જીવાત નીકળતા વાલીઓ અને સ્થાનિકોએ આંગણવાડી કેન્દ્ર ઉપર જઇ ભારે હોબાળો કર્યો હતો.

(4:37 pm IST)