Gujarati News

Gujarati News

News of Saturday, 13th July 2019

ગુજરાતમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી ના નેતૃત્વમાં સી.એમ. ડેશબોર્ડ- રિયલ ટાઇમ મોનિટરિંગ – પબ્લિક ડિલિવરી સિસ્ટમની પારદર્શિતાથી પ્રભાવિત થતા હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીશ્રીજયરામ ઠાકુર

ગાંધીનગર : મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની શુભેચ્છા મુલાકાત હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી શ્રી જયરામ ઠાકુરે ગાંધીનગરમાં શુક્રવારે લીધી હતી. તેઓ હિમાચલ પ્રદેશના ઉદ્યોગ મંત્રી શ્રી બિક્રમસિંઘ સાથે ગુજરાત આવ્યા છે.

મુખ્યમંત્રીશ્રી સાથેની આ મુલાકાત દરમિયાન તેમણે ગુજરાત સરકારના પારદર્શી- પ્રગતિશીલ પ્રશાસન અને પબ્લિક ડિલિવરી સિસ્ટમના અભિનવ પ્રયોગો વિશે જાણવામાં ઊંડો રસ દાખવ્યો હતો.

શ્રી વિજયભાઈ રૂપાણીએ હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીશ્રીને સી.એમ. ડેશબોર્ડની સમગ્ર કામગીરી અને મોનિટરિંગ સિસ્ટમથી અવગત કરાવ્યા હતાં.

હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીશ્રી ગુજરાતમાં સુજલામ સુફલામ જળ અભિયાનના મોનિટરિંગ સાથોસાથ આ ડેશબોર્ડના માધ્યમથી તમામ જિલ્લા કલેક્ટરો- ડી.ડી.ઓ. – એસ.પી. સાથે વિડીયો કોન્ફરન્સથી સીધો સંવાદ –બેઠક કરી શકાય છે તેની વિગતો મેળવીને પ્રભાવિત થયા હતાં.

મુખ્યમંત્રીશ્રીએ આ ડેશબોર્ડ દ્વારા પબ્લિક સર્વિસિઝ – એસ.ટી. બસ સેવા, 108 એમ્બ્યુલન્સ ઇમરજન્સી સેવા વગેરેનું રિયલ ટાઇમ મોનિટરિંગ તેમજ શહેરી વિસ્તારોની સ્ટ્રીટલાઇટ તપાસણી વગેરે શક્ય બનતા જનસેવાનું સ્તર મોડેલરૂપ બન્યું છે તેની પણ ભૂમિકા આપી હતી.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ તેમને શિક્ષણ વિભાગના ઓનલાઇન એટેન્ડન્સ, ઇ-ગુજકોપ તેમજ RTO ચેકપોસ્ટ ઓનલાઇન મોનિટરિંગની સિસ્ટમ પણ સમજાવી હતી.

શ્રી જયરામ ઠાકુરે ડિજિટલ ગુજરાત પોર્ટલ તેમજ સી.એમ. ડેશબોર્ડમાં સરકારના વિભાગોની કામગીરી મૂલ્યાંકનના ઇન્ડિકેટર્સ અને ભારત સરકારની યોજનાઓના ગુજરાતમાં અમલીકરણના ડેટાબેઝ પણ જે સી.એમ. ડેશબોર્ડમાં ઓનહેન્ડ ઉપલબ્ધ છે તેની પ્રશંસા કરી હતી.

તેમણે ગુજરાત દેશમાં સુશાસનનું મોડેલ સ્ટેટ બન્યું છે તેના પાયામાં રહેલી આ બધી જ ગતિવિધિઓ નિહાળી તેની  સરાહના કરી હતી.

(12:22 pm IST)